ગૌણ સેવાની પરીક્ષા રદ થતાં કોંગ્રેસના હલ્લાબોલ કાર્યક્રમ

366

રાજયમાં લોકરક્ષક દળ બાદ હવે સચિવાલયમાં કલાર્ક અને ઓફિસ આસીટન્ટની પરીક્ષા રદ કરવામાં આવતાં શિક્ષિત યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. બીજીબાજુ, લાખો ઉમેદવારોના સમર્થનમાં ઉતરેલી કોંગ્રેસે આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએ હલ્લાબોલ અને દેખાવોના વિરોધ કાર્યક્રમો યોજયા હતા. અમદાવાદ શહેરમાં પણ રબારી કોલોની વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ સાથે મળી જાહેરમાં ભાજપ સરકાર વિરૂધ્ધ જોરદાર સૂત્રોચ્ચાર અને દેખાવો યોજયા હતા. તો, રોષે ભરાયેલા ઉમેદવારોએ ધોરણ-૧૨ની માર્કશીટની હોળી કરી સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોની ચાર રસ્તા પર કોંગ્રેસ અને એનએસયુઆઇના નેજા હેઠળ આજે સેંકડો પરીક્ષાર્થી ઉમેદવારો પોતાનો આક્રોશ વ્યકત કરવા ઉમટયા હતા અને  પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતાં. વિરોધ પ્રદર્શનમાં આશરે ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ જોડાયાં હતા અને તેમણે ભાજપ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવી વાતાવરણ ગજવી નાંખ્યું હતું. વાતાવરણ તંગ બની જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કેટલાક આંદોલનકારીઓની અટકાયત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજયમાં લેવાનારી લોકરક્ષક દળની પરીક્ષા છેલ્લી ઘડીએ રદ થતાં પરીક્ષાર્થીઓ અટવાયાં હતાં. આ ઘટના બાદ સરકારે બીજીવાર આવું નહીં થાય તેની ખાતરી આપી હતી પણ બીજી પરીક્ષા પર રદ કરાઇ છે.  આજે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ તેમની ધોરણ -૧૨ની માર્કશીટની જાહેરમાં હોળી કરી હૈયાવરાળ ઠાલવી આક્રોશ વ્યકત કર્યો હતો. કોંગ્રેસ, એનએસયુઆઇના કાર્યકરો અને ઉમેદવારોએ સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર અને નારા લગાવી હોબાળો મચાવ્યો હતો. અમદાવાદ શહેરની જેમ જ આજે સુરત, ભરૂચ, વડોદરા સહિતના જિલ્લા-તાલુકા કક્ષાએ પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યકર્મો યોજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળને લઇને પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ હાલમાં જોરદાર હોબાળો મચેલો છે. સોમવારના દિવસે પણ પરીક્ષા માટે અરજી કરનાર યુવાનોએ કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારબાદ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને નારાજ થયેલા અરજીદાર યુવાનોને ઓફિસમાંથી બહાર કરવામાં આવ્યા બાદ નારાબાજી જારી રહી હતી. ગઇકાલે અરજીદારો દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યા બાદ આજે સરકારી ભરતીની પરીક્ષા રદ કરવાના વિરોધમાં આજે કોંગ્રેસે ધરણા પ્રદર્શનના કાર્યક્રમો યોજ્યા હતા. સાથે સાથે જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવાની પણ વાત કરી હતી.

Previous articleમોલ-મલ્ટિપ્લેક્સમાં પ્રથમ કલાક ફ્રી પાર્કિંગ બાદ ચાર્જ
Next articleમાર્ગોનું પેચ વર્ક પૂર્ણ કરવા ગાંધીનગર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ