એસ.ટી.માં ફરજ બજાવતા વર્ગ-૩-૪ના કર્મચારીઓ સામે કેટલાક ઓછા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં ખાતાકિય તપાસ ચાલી રહી છે. જેમાં નિગમના વિભાગો અને ડેપો ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓ સામે ગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓની ખાતાકિય તપાસ હાથ ધરવાની હોય ત્યારે ભાવનગર વિભાગના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય તેમજ જિલ્લાના ૮ ડેપો સહિતના કેસોનો નિકાલ કરવા માટે આજે ભાવનગર ખાતે યોજાયેલ ઓપન હાઉસમાં ૯પ૦ ડીફોલ્ટ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
એસ.ટી. વિભાગના મુખ્ય કામદાર અધિકારી કે.ડી. દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલ ઓપન હાઉસમાં ભાવનગર એસ.ટી.ના વિભાગીય નિયામક આર.વી. માલીવાડ તેમજ જે.વી. ઈસરાણી, જે.પી. ગોહિલ, ડી.એમ. જોગલ સહિતની ઉપસ્થિતિમાં કર્મચારીઓ પ્રત્યેની સારી ભાવના અને તેઓને સુધારવાની તક આપવાના ભાગરૂપે અને કર્મચારીઓમાં મુસાફરો પ્રત્યે સારી વર્તણુક રહે તે હેતુથી ડીફોલ્ટ કર્મચારીઓને સામાન્ય દંડ વસુલ કરી ૯પ૦ જેટલા ડીફોલ્ટ કેસોનો નિકાલ કરાયો હતો. કર્મચારીઓ આવા ગુન્હાઓનું પૂનરાવર્તન ન કરે તેવી પણ મેનેજમેન્ટ દ્વારા ટકોર કરી હળવી શીક્ષા કરી કેસોનું સમાધાન કરાયું હતું.