અમદાવાદ શહેરમાં મોટાપાયે રોડ તૂટવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનની રિવ્યૂ બેઠક પૂર્ણ થઈ હતી. મેયરની અધ્યક્ષતામાં ૩ ઝોનની બેઠક યોજાઈ હતી. જેમાં ડે.મેયર, શાસક પક્ષ નેતા, દંડક અને કોર્પોરેટરો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયરે બેઠકમાં જણાવ્યું હતું કે દિવાળી પહેલા તમામ તૂટેલા રોડ રિપેર કરવાના રહેશે. મટીરીયલ, બજેટ અને ટેન્ડર અંગે કોઇ બહાનાબાજી નહિ ચાલે. મેયરે કડક વલણ અપનાવતા રોડની પ્રાથમિકતા નક્કી કરવા માટે કોર્પોરેટરને અગ્રિમતા આપી છે. કોર્પોરેટર નક્કી કરશે કે પોતાના વિસ્તારમાં ક્યાં રોડ બનાવવાની જરૂર છે. જે મુદ્દે અધિકારી કોઈ નિર્ણય લઈ શકશે નહિં. ગઈકાલે અન્ય ૪ ઝોનની બેઠક પણ મળી હતી.
એએમસી અધિકારીઓ દ્વારા કોર્પોરેટરના ફોન ન ઉપાડવાનો મામલે મેયર બિજલ પટેલે કડક વળણ દાખવ્યું છે. મેયરે રોડ અંગેની રિવ્યું મિટિંગમાં કોર્પોરેટરોને સૂચના આપતા જણાવ્યું છે કે, રોડ અંગે એઈ કે એસીઈ કક્ષાના અધિકારી ૨ વારથી વધુ ફોન ન ઉપાડે તો ડીવાયએમસી અથવા મેયરને જાણ કરો. એડીસીઈથી નીચેના અધિકારીઓ ફોન ન ઉપાડે તો તેની જવાબદારી સંબંધિત ઝોનના ડીવાયએમસીની રહેશે. આ પહેલા બિજલ પટેલે જવાબદાર અધિકારી સામે પગલા લેવાની વાત પણ કરી ચૂક્યા છે.