INX પ્રકરણમાં ચિદમ્બરમ ૨૪મી સુધી ઇડીની કસ્ટડીમાં

336

દિલ્હીની એક અદાલતે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને ૨૪મી ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. આઈએનએક્સ મિડિયા કેસના સંદર્ભમાં મની લોન્ડરિંગ મામલે તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તેમની જ્યુશિડિયલ કસ્ટડી ૨૪મી ઓક્ટોબર સુધી વધારી દીધી છે. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ચિદમ્બરમની અરજી આજે ૧૭મી ઓક્ટોબરના દિવસે પૂર્ણ થઇ રહી હતી. તપાસ સંસ્થા ઇડીએ ૭૪ વર્ષીય કોંગ્રેસી નેતાને ૧૪ દિવસ માટે કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની માંગ કરી હતી. કોર્ટે બુધવારના દિવસે મની લોન્ડરિંગ મામલામાં ચિદમ્બરમને કોર્ટમાં ઉપસ્થિત થવાને લઇને વોરંટ જારી કર્યું હતું. મંગળવારના દિવસે  દિલ્હી કોર્ટમાંથી ઇડીને ચિદમ્બરમની ધરપકડ કરવા માટેની મંજુરી મળી ગઈ હતી. ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આમા સીબીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એજન્સી તેમને અપમાનિત કરવા માટે જેલમાં રાખવા માટે ઇચ્છુક છે. ચિદમ્બરમના વકીલોનું કહેવું છે કે, પ્રતિષ્ઠા ખરડવાના હેતુસર તેમને જેલમાં રાખવામાં આવી રહ્યા છે. આજે ચિદમ્બરમના પત્નિ અને પુત્ર કાર્તિ સાથે ચિદમ્બરમની બેઠકના સંદર્ભમાં વધુ માહિતી મળી શકી નથી. ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનની પુછપરછ કરવા અને તેમની ધરપકડ કરવા માટેની મંજુરી આપી દીધા બાદ હવે ઇડીના અધિકારીઓ તેમની પુછપરછ કરવા માટે સવારમાં તિહાર જેલમાં પહોંચી ગયા હતા. તેમની આશરે બે કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન ચિદમ્બરના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ માતા નલિની સાથે તિહાર જેલમાં પહોંચ્યા હતા.

Previous articleઈપીએફઓ કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, ૬૦ દિવસનું બોનસ મળશે
Next articleપિતાને ફરીથી સીએમ બનાવવા કેજરીવાલની દીકરીએ નોકરીમાંથી ૫ મહિનાની રજા લીધી