ચિદમ્બરમની અરજી સંદર્ભે સુપ્રીમમાં ચુકાદો અનામત

489

સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી હાઈકોર્ટના એવા આદેશની સામે દાખલ કરવામાં આવેલી અરજી ઉપર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે જેમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. આઈએનએક્સ મિડિયા કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ચિદમ્બરમે જામીન રદ કરવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. બીજી બાજુ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, ચિદમ્બરમની માત્ર ઉપસ્થિતિ જ સાક્ષીઓને ડરાવવા ધમકાવવા માટે પુરતી રહેલી છે. તેમને ઓછામાં ઓછા એ વખત સુધી જામીન મળવી જોઇએ નહીં જ્યાં સુધી મહત્વપૂર્ણ સાક્ષીઓની પુછપરછ પૂર્ણ કરવામાં ન આવે. સીબીઆઈએ કહ્યું હતું કે, આજે એવી સ્થિતિ રહેલી છે જ્યારે આર્થિક અપરાધોના આરોપી દેશમાંથી ભાગી રહ્યા છે. એક રાષ્ટ્ર તરીકે અમે આ સમસ્યાથી પરેશાન છીએ. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર મામલાની તપાસ જારી છે અને સિંગાપુર તથા મોરિશિયસને મોકલવામાં આવેલા પત્ર પર જવાબનો ઇંતજાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ ગુરુવારના દિવસે દિલ્હીની કોર્ટે ચિદમ્બરમને ૨૪મી ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધો હતો. સીબીઆઈના કેસમાં પણ જ્યુડિશિયલ કસ્ટડી ૨૪મી ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે. આઇએનએક્સ મિડિયા કેસમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે જેની સુનાવણી ટૂંકમાં થશે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરી હતી. સીબીઆઈ તરફથી ઉપસ્થિત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતા દ્વારા જસ્ટિસ આર ભાનુમતિના નેતૃત્વમાં બેંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, દેશમાં ભ્રષ્ટાચારને લઇને ઝીલો ટોલરન્સની પોલિસીની જરૂર દેખાઈ રહી છે. ફોરજરીનો ગુનો પણ ચિદમ્બરમ સામે કેસમાં તપાસના ભાગરુપે રહેલો છે. સીબીઆઈએ કહ્યું હતું કે, આ કેસમાં વધુ તપાસ જારી છે. સિંગાપુર અને મોરિશિયસ તરફથી પત્રોના જવાબ હજુ મળ્યા નથી. ૭૪ વર્ષીય ચિદમ્બરમની ૨૧મી ઓગસ્ટના દિવસે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારબાદથી ભ્રષ્ટાચારના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલમાં છે. ૧૫મી મે ૨૦૧૭ના દિવસે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી જેમાં નાણામંત્રી તરીકે ચિદમ્બરમના ગાળા દરમિયાન ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવા બદલ આઈએનએક્સ મિડિયા ગ્રુપને મંજુર કરવામાં આવેલા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં ગેરરીતિનો આક્ષેપ છે ત્યારબાદથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૦૧૭માં આ સંદર્ભમાં મની લોન્ડરિંગ કેસ પણ દાખલ કર્યો હતો. ચિદમ્બરમની મુશ્કેલી હાલ હળવી થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ચિદમ્બરમની તકલીફ અકબંધ રહી શકે છે. ચિદમ્બરમ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ નેતાની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, સીબીઆઈને એવી દહેશત છે કે, ચિદમ્બરમ પુરાવા સાથે ચેડા કરી શકે છે. આ પ્રકારના અહેવાલ ખોટા અને પાયાવગરના છે.

Previous articleઅંસારીના પુત્રના આવાસથી હથિયારોનો જંગી જથ્થો જપ્ત
Next articleસ્વચ્છ ભારત, સર્જીકલ સ્ટ્રાઇકની વાત કરતાં જ કોંગ્રેસને પેટમાં દુઃખવા લાગે છે : મોદી