એન્જિનીયર થયા બાદ ત્રણ વર્ષ સુધી યોગ્ય નોકરી ન મળતા નાસીપાસ થઇ ગયેલા બેરોજગાર યુવાને મોડી રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આ બનાવની વિગત એવી છે કે, શહેરની મકરપુરા રોડ, સુશેન ચાર રસ્તા પાસે આવેલી ચિત્રકુટ સોસાયટીમાં કુશલ રાજેશકુમાર પંચાલ (ઉં.વ.૨૬) પરિવાર સાથે રહેતો હતો. ત્રણ વર્ષ પૂર્વે તેણે ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગ પૂરું કર્યું હતું.
એન્જિનીયરીંગ બાદ તેણે સંતોષ કારક નોકરી મળતી ન હતી. આથી તે નાસીપાસ થઇ ગયો હતો. લાખ્ખો રૂપિયા ખર્ચીને એન્જિનીયર થવા છતાં નોકરી ન મળતા કુશલે મોડી રાત્રે પોતાના મકાનના રસોડામાં પંખાના હુક ઉપર ઓઢણી બાંધી ફાંસો ખાઇ લીધો હતો.પરિવારજનોને આપઘાતની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. તુરતજ તેઓએ માંજલપુર પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી.
અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.