શનિવારે ૧૧ વાગ્યે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો. જનરલ બોર્ડમાં પ્રશ્નોની ચર્ચાના બદલે વાકયુદ્ધ છેડાયું હતું. ભારે હોબાળા વચ્ચે સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાએ દારૂની પરમીટ અંગેની ભલામણનો મુદ્દો ઉછાળ્યો હતો. આ સાથે જ મેયરે મીડિયાને લાઈવ કવરેજ પર રોક લગાવતા કોંગી સભ્યોએ દેકારો મચાવ્યો હતો અને બેનરો સાથે ખેંચતાણ કરી હતી
જનરલ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે વશરામ સાગઠીયાએ દારૂની પરમીટ અંગે ભરેલા પૈસાની પહોંચ અને પરમીટ અંગેના આક્ષેપો બાબતે કરેલા નિવેદનની વીડિયો ક્લીપ બોર્ડમાં રજૂ કરી હતી. જેને લઈને ભારે હોબાળો થયો હતો. બીજી તરફ મીડીયાના રિપોર્ટરોને લાઈવ કવરેજ કરવા પર મેયરે રોક લગાવી હતી.
જે મુદ્દે વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયા સહિતના કોંગી સભ્યોએ દેકારો મચાવ્યો હતો. જનરલ બોર્ડની બેઠકમાં કોંગી સભ્યોએ ભારે વિરોધ કરી મંચ પર દોડી ગયા હતા.
જો કે બાદમાં રોગચાળાના પ્રશ્નોને લઈને ચર્ચા શરૂ થતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ રોગચાળાના મુદ્દાને અધુરો છોડીને જ બેઠક પૂર્ણ કરી દેવામાં આવી હતી.