વંથલી તાલુકાનાં સોનારડી ગામે યોજાયેલી ગ્રામસભા બાદ ઘરે જવા નિકળેલા માજી સરપંચની કોઇએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. આ સાથે એક મહિલા અને એક સગીર પણ ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગ્રામસભા બાદ ૨ જુથ વચ્ચે મારામારી પણ થઈ હતી.
વંથલી તાલુકાનાં સોનારડી ગામે સાંજે ગ્રામસભા યોજાઇ હતી. આ ગ્રામસભા પૂર્ણ થયા બાદ કોઇ ડખ્ખો થયો હતો અને ૨ જુથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં માજી સરપંચ દિલાવરભાઇ ઉર્ફે દાદાભાઇ મહંમદભાઇ પલેજા (ઉ. ૫૦) ની કોઇએ છરીના ૬થી ૭ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. દિલાવરભાઇ પરિવાર સાથે સાંજે ૬થી ૭ વાગ્યે ભોજન લઇ લે છે. પણ મોડે સુધી તેઓ ઘરે ન આવતાં તેનો પુત્ર મકબુલ તેમને શોધવા નિકળ્યો હતો. જ્યાં તેઓ રસ્તામાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આથી તેમણે પરિવારજનોને અને પોલીસને જાણ કરી હતી. દિલાવરભાઇને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં લવાયા હતા. જ્યાંથી ખાનગી હોસ્પિટલે અને ફરી સિવીલમાં લાવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં મરિયમબેન પલેજા અને સમીર યુનુસ પલેજા (ઉ. ૧૬) ને પણ ઇજાઓ પહોંચી હતી. તેઓની સારવાર હાલ ચાલી રહી છે. બનાવને પગલે વંથલી પોલીસ સોનારડી ગામે પહોંચી હતી. અને હત્યારાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.