આવકવેરા વિભાગે આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લા અને ચેન્નાઇ તેમજ બેંગલોર સહિત ૪૦ અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. પોતાને ગોડમેન કલકી ભગવાન તરીકે ગણાવનાર અને તેમના પુત્ર કૃષ્ણાની માલિકીના સ્થળ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ સુધી વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ આવકવેરા વિભાગને જંગી સંપત્તિ હાથ લાગી છે.
ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પાંચ કરોડની કિંમતના ૧૨૭૧ કેરેન્ટ ડાયમંડ અને ૫૦૦ કરોડની બિનહિસાબી આવકનો ખુલાસો થયો છે. એવા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે જે ફિલોશોફી અને અન્ય કાર્યક્રમો ચલાવતા હતા. ભારત અને વિદેશમાં કરવામાં આવેલા રોકાણના મામલે પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીઓ પૈકી કેટલીક ચીન અને અમેરિકામાં હોવાની વિગત સપાટી પર આવી છે.
ભારતમાં ચાલી રહેલા વેલનેસ કોર્સ માટે વિદેશીઓ પાસેથી તેમને નાણાં પણ મળ્યા હતા. ગ્રુપની સ્થાપના વર્ષ ૧૯૮૦માં કલકી દ્વારા કરવામાં આવી હતી. રિયલ એસ્ટેટ, કન્સ્ટ્ર્કશન અને સ્પોર્ટસમાં પણ રોકાણ કરવામાં આવ્યુ હતુ.સમગ્ર મામલામાં ઉંડી તપાસ હજુ જારી છે. કેટલીક નવી વિગત ખુલી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઇ ચોંકાવનારી વિગત આપવામાં આવી નથી. આવકવેરા વિભાગ ટુંક સમયમાં જ આની વિગતો જાહેર કરી શકે છે. દરોડાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ જારી રહી શકે છે. બીજી બાજુ કેટલીક ચોકાવનારી વિગતો સપાટી પર આવી શકે છે. જાણકારી મુજબ હાલમાં કલકી ભગવાન અને તેમના પુત્ર કૃષ્ણ ભગવાન દ્વારા કલકી આશ્રમ ચલાવવામાં આવી રહ્યું હતું. ટ્રેનિંગ માટે આવનાર લોકો પાસેથી જંગી રકમ લેવામાં આવી રહી હતી. આવકવેરા વિભાગે કહ્યું છે કે, શરૂઆતની તપાસમાં નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ માટે ૪૦૯ કરોડ રૂપિયાની બિન હિસાબી આવકનો ખુલાસો કર્યો હતો. ૫ કરોડ રૂપિયાના હિરા પણ મળી આવ્યા છે. કલકી ભગવાન ઉર્ફ વિજય કુમાર નાયડુ આ દરોડાની કાર્યવાહી બાદ ચર્ચામાં આવી ગયા છે. તેમની સામે આશ્રેપોનો દોર શરૂ થયો છે. કલકી મામલામાં પોલીસ ઉંડી તપાસ કરી રહી છે.