દેશના જુદા જુદા ભાગોમાં ટામેટાની કિંમત આસમાને

328

દેશના સ્થાનિક માર્કેટોમાં ટામેટાની કિંમત હવે હળવી થવાની શરૂઆત થઇ ચુકી છે. હાલમાં પાક નિષ્ફળ જવાના પરિણામ સ્વરુપે તથા ટામેટાનું ઉત્પાદન કરતા મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુરવઠો ખોરવાતા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. જો કે સપ્લાયના મામલામાં ગતિ ધીમી રહેતા હજુ કિંમતો ઉપર તેની અસર જોવા મળે તેવી શક્યતા ઓછી છે. તહેવારના દિવસોમાં કિંમતો હજુ પણ ઉંચી રહી શકે છે. શાકભાજી બનાવવા માટે કાચી સામગ્રીના સ્વરુપમાં વધારે પડતા ઉપયોગ ઉપરાંત ટામેટાનો ઉપયોગ કેચપ, સોસ અન્ય ચીજોમાં થાય છે. માર્કેટ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે, શોર્ટ સપ્લાયના પરિણામ સ્વરુપે ટામેટાની કિંમતમાં હજુ પાંચથી ૧૦ ટકાનો વધારો થઇ શકે છે. જો કે, આગામી દિવસોમાં સ્થિતિ હળવી બનવાના પણ સંકેત દેખાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં નોર્મલથી વધુ વરસાદ નોધાયા બાદ હોલસેલ અને રિટેલ કિંમતો ઉપર માઠી અસર થઇ હતી અને કિંમતો વધી ગઈ હતી. ટામેટા, શેરડી, ડાંગર સહિતના કૃષિ અને હોલ્ટીકલ્ચર પાકને ભારે નુકસાન ભારે વરસાદના કારણે થયું હતું. નાસિક-અન્ય બજારોમાં ટામેટાની કિંમત હાલમાં ઉંચી સપાટીએ પહોચી હતી. ૩૧મી ઓગસ્ટના દિવસે પ્રતિક્વિન્ટલ ૧૨૦૦ રૂપિયાના ભાવ સામે પાંચમી ઓક્ટોબરે ભાવ ૩૫૫૫ સુધી પહોંચ્યો હતો. ૧૬મી ઓક્ટોબરની આસપાસ કિંમતો આંશિકરીતે ઘટીને ૧૯૦૫ સુધી પહોંચી છે. આવી જ રીતે દિલ્હીના આઝાદનગર વિસ્તારમાં ટામેટાની કિંમત ૩૧મી ઓગસ્ટના દિવસે પ્રતિક્વિન્ટલ ૧૩૨૭ રૂપિયાથી વધીને ૧૨મી ઓક્ટોબરે ૩૭૭૦ સુધી પહોંચી હતી. ત્યારબાદ હવે ઘટીને ૩૧૨૧ રૂપિયા સુધી થઇ છે. રિટેલ કિંમતોની વાત કરવામાં આવે તો શોર્ટ સપ્લાયના પરિણામ સ્વરુપે મોટા શહેરોમાં ટામેટાના ભાવ પ્રતિકિલો ૮૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. પરિવહનના મુદ્દાઓની અસર પણ જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ પુરવઠા ઉપર સીધી અસર થઇ છે.  ટામેટાના ભાવ દિવાળીના તહેવારમાં હાલ સ્થિર નહીં રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે.

Previous articleFPI દ્વારા ૫૦૭૨ કરોડનું ઉલ્લેખનીય રોકાણ કરાયું છે
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં વધારો થયો