રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હરિયાણા અને મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. બંને રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. બંને રાજ્યોમાં મતદાનની સાથે સાથે લોકસભાની બે અને ૧૭ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશને આવરીલેતી વિધાનસભાની ૫૧ સીટો માટેની પેટાચૂંટણી પણ આવતીકાલે યોજાનાર છે. મતદાનને લઇને તમામ તૈયારી ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. બંને રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ ઉમેદવારોના ભાવિ આવતીકાલે મતદાન બાદ ઇવીએમમાં સીલ થઇ જશે અને ચૂંટણી પરિણામ ૨૪મીના દિવસે જાહેર કરવામાં આવશે ત્યાં સુધી ભારે સસ્પેન્સની સ્થિતિ રહેશે. હરિયાણાની વાત કરવામાં આવે તો અહીં ભાજપ-કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે સીધી સ્પર્ધા છે. હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારો ભાગ્ય અજમાવી રહ્યા છે જે પૈકી ૧૭ રિઝર્વ સીટો રહેલી છે. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક છે જેમાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ૧૬૩૫૭ મતદાન મથકો ઉભા કરવામાં આવી ચુક્યા છે. હિસ્સાર જિલ્લામાં હાન્સી જિલ્લામાં હાન્સી મતવિસ્તારમાં સૌથી વધુ ૨૫ ઉમેદવાર મેદાનમાં રહેલા છે. શાસક ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી છે જેમાં ૯૦ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. શિરોમણી અકાળીદળની સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી ભાજપે કરી છે. બીજી બાજુ ઇન્ડિયન નેશનલ લોકદળ ૮૧ સીટ પર ચૂંટણી મેદાનમાં છે. અકાળી દળ પણ ૮૧ સીટ પર ચૂંટણી મેદાનમાં છે. બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, જનનાયક જનતા પાર્ટીના ઉમેદવારો પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે માહિતી આપતા કહ્યું છે કે, આવતીકાલે યોજાનાર મતદાનને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યભરમાં સઘન સુરક્ષા વ્યવસ્તા ગોઠવી દેવામાં આવી છે. બીજી બાજુ મુંબઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં ૨૮૧ વિધાનસભા સીટ માટે તેમના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે ૮.૯ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ઇચ્છુક છે. આ મતદારો પૈકી ૪.૫ કરોડ પુરુષો અને ચાર કરોડ મહિલાઓ છે. અહીં ૨૩૫ મહિલા ઉમેદવાર સહિત ૩૨૩૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં કુલ ૯૬૬૬૧ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. મરાઠવાડા પ્રદેશમાં નાંદેદ સાઉથ સીટમાં સૌથી વધારે ૩૮ ઉમેદવારો મેદાનમાં રહેલા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોઇ બે ગઠબંધનો ભાગ્ય અજમાવી રહ્યા છે જેમાં એકબાજુ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપી સહિત મહાઅગાડી કેમ્પ છે. કેટલાક નાના પક્ષો પોતાનીરીતે ચૂંટણી લડી રહ્યા છે જેમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા, શિવસંગ્રામ, રાષ્ટ્રીય સમાજ પક્ષ, રાયતક્રાંતિ સંગઠનનો સમાવેશ થાય છે. આવી જ રીતે કેટલાક એકદમ નાના પક્ષો પણ તેમના ઉમેદવારોનું ભાગ્ય અજમાવવા માટે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. મુખ્ય ચૂંટણી અધિકારી બલદેવસિંહે કહ્યું છે કે, આવતીકાલના મતદાનને લઇને તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત લોકસભાની બે બેઠકોની પેટાચૂંટણી પણ યોજાનાર છે જેમાં બિહારમાં સમસ્તીપુર અને મહારાષ્ટ્રમાં સતારા બેઠકનો સમાવેશ થાય છે. ઉપરાંત ૧૭ રાજ્યોમાં વિધાનસભાની ૫૧ સીટ પર મતદાન યોજાનાર છે. મતગણતરી ૨૪મીના દિવસે યોજાશે.