સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક બાદ હવે એલઓસી પર ત્રીજી મોટી સ્ટ્રાઇક કરીને ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. સરહદ પારથી વારંવાર યુદ્ધવિરામનો ભંગ થતાં ભારતીય સેનાએ ગઇકાલે તંગધાર અને કેરન સેક્ટરમાંથી કાર્યવાહી કરીને ચારથી વધુ ત્રાસવાદી કેમ્પોને ફૂંકી માર્યા હતા. આ ઉપરાંત ૧૦થી વધુ પાકિસ્તાની સૈનિકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા. ૩૦થી વધુ ત્રાસવાદીઓ પણ આ કાર્યવાહીમાં માર્યા ગયા હતા. હવે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે. સત્યપાલ મલિકે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ત્રાસવાદી કેમ્પોને સંપૂર્ણપણે ફૂંકી મારવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો પાકિસ્તાન તેની હરકતોને જારી રાખશે અને પાકિસ્તાનની સરહદમાં ઘુસીને પણ કેમ્પોનો સફાયો કરીશું. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, હાલમાં સેનાએ અંકુશરેખા પેલેપાર મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા છે.
જેમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓની સાથે સાથે પાકિસ્તાની સેનાના જવાનોના પણ મોત થયા છે. ભારતીય સેનાની કાર્યવાહી અંગે પ્રશ્નનો જવાબ આપતા રાજ્યપાલે આ મુજબની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદના મુખ્ય સેન્ટર તરીકે છે. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા અને જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું છે કે, ભારતના પડોશી તેની સમસ્યાથી ગ્રસ્ત છે પરંતુ ત્રાસવાદીઓ સામે પગલા લેવામાં આવી રહ્યા નથી. ભારતે રવિવારના દિવસે પોકમાં મિલન ખીણમાં ચાર આતંકવાદી કેમ્પોને ફૂંકી માર્યા હતા. સેનાના અડ્ડાઓને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન હાલમાં ટેરર ફંડિંગને લઇને ઘેરાયેલું છે. સેના પ્રમુખ બિપીન રાવતે કહ્યું છે કે, એલઓસીના પેલેપારથી અમને મોબાઇલ સંચારના સંકેત મળ્યા નથી. આના સીધા સંબંધ નુકસાન સાથે છે પરંતુ પાકિસ્તાન આ પ્રકારની કાર્યવાહીને સપાટી ઉપર લાવવા ઇચ્છુક નથી. પાકિસ્તાનને ચેતવણી આપતા રાજ્યપાલ મલિકે કહ્યું છે કે, ગોળીબારને રોકવાની જરૂર છે. જો પાકિસ્તાન હરકતો જારી રાખશે તો આતંકવાદી કેમ્પોને સંપૂર્ણપણે ફૂંકી મારવામાં આવશે. સેનાના પૂર્વ વડા અને કેન્દ્રીયમંત્રી વીકે સિંહે પણ પાકિસ્તાનને આવી જ ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સેના સંપૂર્ણપણે સક્ષમ છે અને ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવશે. ભારતે ગઇકાલે કાર્યવાહી કરતા દેશભરમાં આને લવઇને ચર્ચા રહી હતી.