પાલિતાણા : વીરપુર ગામે તળાવામાં ડુબી જતા ૩ બાળકોના મોત નિપજયા

1014

ભાવનગર જિલ્લાનાં પાલીતાણા તાલુકાના વીરપુર ગામે આજે સવારે  કોળી પરીવારના ત્રણ માસુમ બાળકો ગામના તળાવમાં ન્હાવા જતા ત્રણેય બાળકોના ડુબી જતા મોત નિપજયા હતા. આ કરૂણાંતિકાથી સમગ્ર નાનકડા એવા વીરપુર ગામમાં અરેરાટી સાથે શોક છવાઈ જવા પામ્યો હતો. બનાવના પગલે ગામના લોકો તળાવ ખાતે દોડી ગયા હતા જયારે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણા તાલુકાના વીરપુર ગામે રહેતા ગરીબ કોળી પરીવારના સુખાભાઈ મેઘજીભાઈ ચૌહાણનાં ત્રણ માસુમ પુત્રો પૃથ્વી સુખાભાઈ  (ઉ.વ.૧૦), ચીરાગ સુખાભાઈ ચૌહાણ (ઉ.વ.૮) અને હાર્દિક સુખાભાઈ ચૌહાણ (ઉ.વ.૬) ત્રણેય ભાઈઓ ગામના તળાવે ન્હાવા ગયા હતા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ત્રણેય બાળકોનાં ડુબી જતા મોત થયા હતા. આ ઘટના અંગેની જાણ થતા તુરંત જ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તુરંતજ સ્થાનિક તરવૈયાઓએ ઝં૫લાવી તળાવના પાણીમાંથી ત્રણેય બાળકોની લાશ બહાર કાઢી હતી. આ બનાવની જાણ કરાતા પાલીતાણાના રૂરલના પીએસઆઈ ચુડાસમા સહિતનો પોલીસ કાફલો વીરપુર ગામે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો તૈયાર કરી ત્રણેય બાળકોની લાશને પાલીતાણાની સરકારી હોસ્પિટલે પી.એમ. અર્થે ખસેડાઈ હતી. દિવાળી પૂર્વેજ વીરપુર ગામે એક સાથે એકજ પરીવારના ત્રણ બાળકોના ડુબી જવાથી મોત થતા નાનકડા એવા વીરપુર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને ગ્રામજનો હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા છે. કોળી પરીવાર પર જાણ કે, આભ ફાટયુ હોય તેવી સ્થિતી સર્જાવા પામી છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleભાવનગર પોલીસ પરિવાર દ્વારા શહિદ દિન નિમિત્તે લોકડાયરો યોજાયો
Next articleબિકીનીમાં ઇલિયાનાએ પોઝ આપી ચર્ચાઓ જગાવી