બીસીસીઆઈના નવા બોસ સૌરવ ગાંગુલીને ભરોસો છે કે બાંગ્લાદેશનો ભારત પ્રવાસ શિડ્યુલ પ્રમાણે જ આગળ વધશે. બાંગ્લાદેશના ક્રિકેટર્સ સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને તેમણે બોર્ડ સમક્ષ ૧૧ શરતો મૂકી છે અને કહ્યું છે કે જ્યાર સુધી તેમની ડિમાન્ડ પૂરી નહીં થાય તેઓ કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમશે નહીં. ગાંગુલીએ કહ્યું કે, આ તેમની ઇન્ટર્નલ મેટર છે અને તેઓ આનો ઉકેલ જલદી લાવશે. હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ નઝમુલ હસન સાથે સંપર્કમાં છું, પરંતુ આ સ્ટ્રાઇક મારુ કામ નથી.
બાંગ્લાદેશ ભારત પ્રવાસે ૩ ટી-૨૦ અને ૨ ટેસ્ટ મેચ રમવાનું છે. ત્રણ ટી-૨૦ ૩, ૭ અને ૧૦ નવેમ્બરે યોજાશે. પ્રથમ ટી-૨૦ દિલ્હી, બીજી ટી-૨૦ રાજકોટ અને ત્રીજી ટી-૨૦ નાગપુર ખાતે રમાશે. જ્યારે પ્રથમ ટેસ્ટ ૧૪ નવેમ્બરના રોજ ઇન્ડોર અને બીજી ટેસ્ટ ટેસ્ટ ૨૨ નવેમ્બરના રોજ કોલકાતા ખાતે રમાશે.
કોલકાતાના ઈડન ગાર્ડન ખાતેની બીજી ટેસ્ટમાં ભારત-બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને બંગાળના ચીફ મિનિસ્ટરને આમંત્રણ અપાશે. ગાંગુલીએ કહ્યું કે, અત્યારે અમે બાંગ્લાદેશ બોર્ડને લખી રહ્યા છીએ. તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ ભારત સામે રમી હતી. જે પ્લેયર્સ તે મેચમાં રમ્યા હતા અમે તેમને બોલાવવા માગીએ છીએ. મેચમાં દિવસના અંતે ફેલિસિટેશન સેરેમની ગોઠવવામાં આવશે.