ટેલિકોમ ઓપરેટરોએ કુલ ૪,૫૦૦ કરોડ ચુકવી દીધા

339

પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓ, વોડાફોન આઈડિયા, ભારતી એરટેલે સ્પેક્ટ્રમ ડ્યુમાં ૪૫૦૦ કરોડથી વધુની ચુકવણી ટેલિકોમ વિભાગને કરી દીધી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસના ગાળામાં સ્પેક્ટ્રમ દેવા તરીકે આ રકમની ચુકવણી કરવામાં આવી છે. ડ્યુડેટ પહેલા આ ચુકવણી થઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જીઓએ ટેલિકોમ વિભાગને ૧૧૩૩ કરોડની ચુકવણી કરી છે. આવી જ રીતે વોડાફોન-આઈડિયાએ સ્પેક્ટ્રમ માટે ૨૪૨૧ કરોડની ચુકવણી કરી છે. સુનિલ મિત્તલના ભારતી એરટેલે ૯૭૭ કરોડ રૂપિયા ચુકવી દીધા છે. આની સાથે જ ત્રણ કંપનીઓએ સ્પેક્ટ્રમ તરીકે ૪૫૩૧ કરોડ રૂપિયા ચુકવી દીધા છે. રિલાયન્સ જીઓ અને એરટેલને મોકલવામાં આવેલા ઇમેઇલમાં આ લોકોએ હજુ સુધી કોઇ જવાબ આપ્યા નથી. વોડાફોન આઈડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે, કંપનીએ આ મામલે કોઇ ટિપ્પણી કરવાની તૈયારી કરી નથી. બિઝનેસ સામાન્યરીતે ચાલી રહ્યો છે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સરકારે સ્પેક્ટ્રમ પેમેન્ટ માટે વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટની સંખ્યા ૧૦થી વધારીને ૧૬ વર્ષ કરી દીધી હતી. દેવામાં ડૂબેલા ટેલિકોમ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફાઈનાન્સિયલ કટોકટીની સ્થિતિમાં વોડાફોન ગ્રુપના ચેરમેને કહ્યું છે કે, ટેલિકોમ સેક્રેટરીને તેઓ મળી ચુક્યા છે. આ સંદર્ભમાં તમામ બાબતો પર ચર્ચા ચાલી રહી છે. સ્પેક્ટ્રમની ચુકવણીને લઇને ઉલ્લેખનીય આવક થઇ રહી છે. ૨૧મી ઓક્ટોબરની તારીખ સુધી સ્પેક્ટ્રમની ચુકવણી કરવાની જરૂર હતી. છેલ્લા ત્રણ ચાર દિવસમાં જ જંગી રકમ ચુકવી દેવામાં આવી છે.

નિર્ધારિત તારીખ પહેલા જંગી નાણાં ચુકવી દેવામાં આવતા ટેલિકોમ વિભાગને પણ મોટી રાહત થઇ છે.

Previous articleદિવાળીના તહેવારો દરમ્યાન  તા.રર થી તા.ર૭ સુધીના એકસ્ટ્રા બસોનું પ્રવર્તમાન ભાડા મુજબ સંચાલન
Next articleતમામ ખાતા ધારકોના પૈસા બિલકુલ સુરક્ષિત : આરબીઆઈ