હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં સામેલ તમામ આરોપીઓની હવે ધરપકડ કરવામાં આવી ચુકી છે. હત્યાને અંજામ આપવામાં આવ્યા બાદ ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી શેખ અશફાક હુસૈન અને મોઇનુદ્દીન પઠાણને ગુજરાત એટીએસ દ્વારા મંગળવારના દિવસે મોડી રાત્રે પકડી લેવામાં આવ્યા બાદ રાજસ્થાન અને ગુજરાત સરહદ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યા છે. દરમિયાન કમલેશ તિવારીના ઓટોપ્સી રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી વિગત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે હત્યારાઓએ બનાવને અંજામ આપતી વેળા ઓછામાં ઓછા ૧૫ વખત ચાકુથી પ્રહાર કર્યા હતા. ૧૮મી ઓક્ટોબરના દિવસે લખનૌમાં કમલેશ તિવારીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી મિઠાઇના એક પેકેટસને લઇને પહોંચ્યા હતા. કમલેશ તિવારીના મૃતદેહ પર અટોપ્સી કરનાર તબીબોએ કહ્યુ છે કે તેમના છાતીમાં ડાબી બાજુએ અનેક વખત ચાકુના હુમલા કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાકુના હુમલાતી કમલેશ તિવારીના છાતીમાં ત્રણથી ચાર સેન્ટીમીટરના ખાડા થઇ ગયા હતા. સાથે સાથે કમલેશ તિવારીના મૃતદેહ પર પરિક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે બે જગ્યાએ ચાકુથી કાપી નાંખવાના નિશાન પણ મળ્યા છે. તેમની ગરદનને પણ કાપના નિશાન મળ્યા છે. તિવારીના મૃતદેહ પર અન્ય હિસ્સામાં પણ અનેક ઘા મળી આવ્યા છે. રિપોર્ટ મુજબ હત્યારાઓ દ્વારા ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. ચહેરા પર બુલેટ ઇન્જરી પણ છે. ઉત્તરપ્રદેશ પોલીસ કેટલીક બાબતોને લઇને હેરાન છે કે તેમના પત્નિ અને બોડીગાર્ડને કેમ માહિતી થઇ ન હતી. બંને એ વખતે ઘરમાં જ નીચે હતા.