પોલીસ કમિશનરનું જાહેરનામું, ’વિદેશી ફટાકડાના વેંચાણ પર પ્રતિબંધ’

340

દિવાળીના તહેવારને લઇને ફટાકડા ફોડવા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ ૨૫ ઓક્ટોબરથી ૨૪ નવેમ્બર સુધી રહેશે અને ભંગ કરનાર સામે જી.પી.એક્ટની કલમ ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન મુજબ દિવાળીના અને અન્ય તહેવારો દરમિયાન ફટાકડા ફોડવાના રહેશે તેમજ ૨૮ ઓક્ટોબરના રોજ બેસતું વર્ષ શરૂ થતા પહેલા રાત્રે ૧૧.૫૫થી ૧૨.૩૦ વાગ્યા સુધી રાજકોટ શહેર કમિશનરરેટ વિસ્તારમાં ફટાકડા ફોડી શકાશે.

કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહી. ઇ-કોમર્સ વેબસાઇટ, ફ્લીપક્લાર્ટ, એમેઝોન સહિતની કોઇ પણ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહીં કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહીં.

રાજકોટ શહેરના જાહેર રસ્તા તથા ફૂટપાથ પર બોમ્બ, રોકેટ તથા હવાઇ તથા અન્ય ફટાકડાનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા સળગાવી રસ્તા પર કે ફૂટપાથ પર કે વ્યક્તિ પર ફેંકવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૨૪થી ૨૭ ઓક્ટોબર સુધી દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં રેસકોર્સ ફરતે રોશની, આતશબાજી અને રંગોળી સ્પર્ધા, લાઇવ બેન્ડ, મ્યુઝિકલ શો સહિતના કાર્યક્રમો યોજાશે. ૨૫ ઓક્ટોબરે માધવરાય સીંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફટાકડાથી આતશબાજી કરવામાં આવશે.

Previous articleલેવાલી વચ્ચે સેંસેક્સ ૯૫ પોઇન્ટ સુધરીને અંતે બંધ
Next articleપ્રેમમાં નડતા પતિને મારવા પત્નીએ પ્રેમી સાથે મળી પ્લાન ઘડ્યો, પ્રેમી-પતિ બંનેના મોત