એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા દિવાળી પહેલાં દૂધ ઉત્પાદકોને ભેટ આપવામાં આવી છે. ડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં ૧૫ રૂપિયા વધારો જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં અને દૂધ ઉત્પાદકોમાં ડેરીની જાહેરાતથી ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
બનાસ ડેરી દ્વારા જાહેર થયેલા ભાવ વધારા બાદ હવે દૂધ ઉત્પાદકને પ્રતિ કિલો રૂપિયા ૬૭૫ના બદલે ૬૯૦ રૂપિયા ભાવ મળશે. બનાસ ડેરીના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ત્રણલાખ પશુપાલકોને ફાયદો થશે. એક તરફ દિવાળીનો તહેવાર છે ત્યારે ડેરીનો આ નિર્ણય પશુપાલકો માટે ફાયદાકારક સાબીત થશે.
બનાસ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યૂનિન એટલે કે બનાસ ડેરીની સ્થાપના વર્ષ ૧૯૬૯માં થઈ હતી. બનાસ ડેરી દ્વારા અમુલ, બનાસ અને સાગર બ્રાન્ડ હેઠળ દૂદ અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરવામાં આવે છે.
આ ડેરીમાં ૧૨૦૦થી વધુ ગામડામાંથી દૂધ ઉત્પાદક મંડળીઓનું જોડાણ છે.
ડેરી દ્વારા પાછલા ૬ મહિનામાં સાતમી વાર ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા ૧૫નો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડેરી દ્વારા બનાસદાણના ભાવ યથાવત રાખવામાં આવ્યા હતા.