વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથે પરસ્પર વેપાર-ઊદ્યોગ નિવેશ અંગે બેઠક યોજી

524

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવ સાથે બે કલાક સુધી લંબાણપૂર્વક બેઠક યોજીને ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે વ્યાપાર-ઊદ્યોગના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા ફળદાયી પરામર્શ કર્યો હતો.

ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખે ભારત સાથેની તેમના દેશની મિત્રતા અને ખાસ કરીને ગુજરાતના વિકાસથી તેમજ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં તેમની સહભાગીતાથી તેઓ પ્રભાવિત થયાનો સ્પષ્ટ મત દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સત્કાર અને સમગ્ર પ્રવાસ દરમિયાન મળેલ સહયોગ અંગે ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખનો આભાર પ્રગટ કર્યો હતો. બંને મહાનુભાવોએ ગુજરાત-ઉઝબેકિસ્તાનના લોકોના-નાગરિકોના વ્યાપક હિતમાં પરસ્પર વ્યાપાર, નિવેશ તેમજ પીપલ ટુ પીપલ કોન્ટેકટ વધારવાનો નિર્ધાર બેઠકમાં વ્યકત કર્યો હતો. વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપ્રમુખ સાથેની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, ગુજરાતના ઊદ્યોગકારો ઉઝબેકિસ્તાનમાં વેપાર-ઊદ્યોગ શરૂ કરવા તત્પર છે પરંતુ તેમને આ હેતુસર જરૂરી પરવાનગીઓ અને સહયોગ ત્વરાએ મળે તે અપેક્ષિત છે.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શ્રીયુત શવકત મિરઝીયોયેવએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું  કે, તેઓ ગુજરાતના વેપાર-ઊદ્યોગકારોને તમામ સહયોગ આપશે અને જરૂર જણાયે પોતાના ખાસ સત્તાધિકારોનો ઉપયોગ કરીને નિયમોમાં છૂટછાટ મૂકીને વધુ પ્રોત્સાહક છૂટછાટો પણ આપશે. એટલું જ નહિ, અન્ય કોઇ પણ રાષ્ટ્રને ઉઝબેકિસ્તાનમાં મળી ન હોય તેવી સુવિધા અને રાહતો આપવા પણ તેઓ ઉત્સુક છે.  ઉઝબેકિસ્તાન રાષ્ટ્રપતિએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને એમ પણ જણાવ્યું કે, તેમની સરકારના ત્રણ મંત્રીઓ દર ત્રણ માસે ગુજરાત આવશે તેમજ ગુજરાતમાં બે-ત્રણ દિવસ રોકાણ કરીને રાજ્ય સરકારના અધિકારીઓ અને ઊદ્યોગ-વેપારના પ્રતિનિધિઓ સાથે બેસીને જો કોઇ પ્રશ્નો-સમસ્યા હશે તો તેનું નિવારણ લાવશે.  આ મંત્રીઓ ભારતની ઉઝબેકિસ્તાન સ્થિત એમ્બેસી સાથે પણ દર મહિને સંકલન બેઠક યોજીને સમીક્ષા કરશે.                 શ્રીયુત શવકત મિરઝીયોયેવએ ખાસ કરીને એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જીનીયરીંગ તેમજ જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અને વેપાર-રોકાણ વધારવાની ઉત્સુકતા દર્શાવી હતી.  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમને ગુજરાતની જૈવિક ખેતીની વિશેષતાઓની ભૂમિકા આપી તેનાથી પ્રભાવિત થઇને રાષ્ટ્રપ્રમુખે આ ખેતીના વધુ અભ્યાસ માટે પણ એક પ્રતિનિધિમંડળ ત્વરાએ ગુજરાત મોકલશે તેમ જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાના ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી તેમજ આઇક્રિયેટ જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓની વિશદ છણાવટ આ બેઠકમાં કરી હતી.

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિશ્રીએ આ યુનિવર્સિટીઓ સાથે પોતાના રાષ્ટ્રનું ટાઇ-અપ કરીને ઉઝબેકિસ્તાન યુવાઓને તેનો લાભ મળી રહે તે માટે ઉઝબેકિસ્તાનના શિક્ષણ અને ઇનોવેશન મંત્રીને ગુજરાત મુલાકાતે મોકલશે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ઉઝબેકિસ્તાનમાં અન્ડીજાન શહેરમાં એક સ્ટ્રીટનું નામ ગુજરાતના સપૂત રાષ્ટ્રનેતા સરદાર સાહેબના નામ સાથે જોડવા તેમજ સરદાર પ્રતિમા મૂકવાના સરાહનીય અભિગમ માટે પણ રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાત પ્રતિનિધિમંડળના વરિષ્ઠ સચિવો, રાજદૂતાવાસના અધિકારીઓ અને ઉઝબેકિસ્તાન સરકારના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

Previous articleગુજરાત : છ બેઠકોની પેટાચૂંટણી માટેના આજે પરિણામ જાહેર થશે
Next articleસ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો