વાડ ચિભડા ગળે તેમ સરકાર જુઠ્ઠુ બોલે તો પ્રજા કોની પાસે જાય !!
સામાન્ય માણસોની સંખ્યા વધુ હોય છે એટલે કે સમાજમાં મધ્યમવર્ગની સંખ્યા વધુ હોય છે સમાજમાં આર્થિક અસમાનતા પ્રવર્તતી હોય ત્યારે એક જપ્રકારની જાતિથી ચાલી શકે નહી. મધ્યમ કે લોઅર મધ્યમ વર્ગ અત્યારે મોંઘવારીથી એટલો પીડાઈ રહ્યો છે કે તેને માટે બે ટંકનું ભોજન અને પોતાના વ્યવહાર ચલાવીને જીવવું અત્ય્ત મુશ્કેલ, મેરેથોનમાં દોડ જેવું કે ઝંજવાના જળ સમાન બનતું જાય છે ત્યારે સરકાર તરફથી કેટલીક સેવાઓનું ખાનગીકરણ કરીને તેમને વધુ એક બોજો આપ્યો છે. ગભરુ પ્રાણીને કસાઈને હવાલે કર્યા હોય તેમ…
આજથી દસ વર્ષ પહેલાં આવતા વીજળીના બીલ અને આજે જમીન આસમાનનો તફાવત હોવા છતાં પ્રાઈવેટ કંપનીઓ સૌથી મોઘી વીજળી આપતાં હોવા છતાં સબ સલામતના દાવા સરકાર દ્વારા થતા હોય છે અને પ્રજાના પ્રશ્નો ચર્ચા કરી ઉકેલ – ચિંતા – ચિંતન મનન કરવાની જગ્યાએ માત્ર તેમના પગાર વધારાને વિના વિરોધે દલા તલવાડી વાળી કરતાં વામણા નેતાઓ પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખવી ? મોંઘીદાટ ગાડીઓમાં પ્રજાની સેવા કરવા આવતા આવા સેવકોને દર મહિને આવતા વીજળીના બીલ ભરવાની ચિંતા કયાં હોય! અને તેથી બેધડક ખોટું બોલે ત્યારે પ્રજા બિચારી કયાં જાય કોને ફરિયાદ કરે !!
અધિવેશનમાં કોંગ્રેસે ભાજપ મુકત ભારતની જાહેરાત કરી પણ દિલ્હી હજી દુર છે….
તાજેતરમાં કોંગ્રેસે વધુ પડતા આત્મ વિશ્વાસમાં આવી જઈને ભારત મુકત ભાજપની વાતો કરી તો દીધી પણ કોંગ્રેસ માટે દિલ્હી હજી દૂર હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે હજી ઘણી બધી જગ્યાએ મોરચા લડયા બાદ ભાજપનો સામનો કરવા તૈયાર થશે તેમ લાગે છે. બાકી અધિવેશનમાં ઉત્સાહ પ્રેરવા માટે કહી દેવું સહેલું છે.
કોંગ્રેસનું હાલ ફરી સુદ્રઢીકરણ, નવીનીકરણ અને નવા યુવાન યોગ્ય નેતાઓને લાવવાની જરૂર છે. ગુજરાતમાં એકેય જુના નેતા પોતે જીતી પણ શકયા નથી એટલે પ્રજામાં તેમનું સ્થાન કયાં છે. તે પ્રજાએ બતાવી આપ્યું છે. તેમને અન્ય જગ્યાએ ખસેડી પ્રાણ પુરે તેવા નવા નેતાની જરૂરિયાત છે. પરેશ ધાણાનીને મુકીને કોંગ્રેસે સારૂ કામ કર્યું છે વળી તે આજ નહીં તો કાલ દસ વર્ષ ચાલે એવો નેતા બની શકે છે પરિપકવતા આવતાં ફરી મજબૂત બનશે તમામ મોરચે કોંગ્રેસે પહેલાં તો તૈયારી કરવાની જરૂર છે.
એક ઉત્તર પ્રદેશ અને બિહારની ૩ બેઠકો પરથી એવું મોટું અનુમાન લગાડવું એટલું સહેલુ નથી અને દિલ્હી હજી દૂર છે એવું કહેવું પણ વધુ પડતું નથી બાકી હવે ભાજપની પડતીની શરૂઆત થવા માંડી છે પરંતુ તે પ્રક્રિયા કેટલા વર્ષમાં થાય તે મહત્વનું છે.
વિધાનસભા બાદ હવે મંત્રી મંડળના વિસ્તરણ માટેનુ ભૂત ધૂણે તેવા એંધાણ !!
વિધાનસભા સત્ર સમાપ્તિ બાદ પણ ભાજપની ચિંતા ઓછી થવાની નથી કારણ કે કેટલાય નેતાઓ તૈયાર થઈને બેઠા છે કે અમારો વારો મંત્રીમાં કયારે આવે?
વિધાનસભા બાદ ભાજપમાં નવા જુની થશે તેવાં એંધાણ અત્યારે આંતરિક રીતે મળવા લાગ્યા છે. કેટલાક નેતાઓ, ધારાસભ્યો પોત પોતાના લોબીંગમાં પડેલા જોવા મળે છે. ઉપરથી બતાવે છે કે કંઈ નથી પરંતુ અંદરખાતે મંત્રીમંડળ અને તેના વિસ્તરણમાં પોતે પોતાનો સમાવેશ કરાવી શકે તે માટે આંતરિક પ્રયાસો ચાલુ કરી દીધા છે. એટલે એક વિધાનસભા પતવાથી ભાજપ માટે શાંતિ થઈ જશે એવું લાગતું નથી.
સિનિયરો તેમાંથી ખાસ બરોડા તથા પુર્વમંત્રીઓ અને જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લવાયા છે તેઓ મોટે ભાગે હવે ભાજપની આ છેલ્લી તક માનીને મરણીયો પ્રયાસ કરવાના છે અને તેથી આંતરિક ખેંચતાણ અને તેને લગતી બાબતોથી ઘુંઘવાતું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અંદર અંદર પણ વિરોધાભાસ ખાસ જોઈ શકાય છે. કોને શું ગમ્યુ કે કોણ તેના વિરૂધ્ધ વાતાવરણ બનાવી રહ્યું છે તે સ્પષ્ટ જોઈ શકાતું હોય ત્યારે ગમે ત્યારે ફરી આંતરિક ચડસાચડસી શરૂ થવાની છે.
ક્રાઈમ ડિટેકશનમાં પોલીસ નબળી કે પછી પંચના નામે ગુનેગારોને છાવરવાની વાત!!
પ્રજામાં આક્રોશ થાય મોટા પાયે લોકો અવાસ ઉઠાવે તેવા કિસ્સામાં સામાન્ય પોલીસની જગ્યાએ ક્રાઈમ બ્રાન્ચ કે સીબીઆઈ જેવી સંસ્થાને કામ સોંપાતું હોય છે. પરંતુ ક્રાઈમ ડીટેકશનની બાબતમાં પણ પોલીસ નબળી કેટલાંક કિસ્સાઓમાં જોવા શા માટે મળે છે ? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી મોટી ઘટના માટે પંચ નિમી દેવાનો રિવાજ છે. પરંતુ તેવી ઘટનામાં પંચ પ્રજાના પરસેવાના પૈસા વાપરતા હોય પરંતુ છેલ્લે કોઈ ખાસ ઉકાળ્યું હોય તેવું હજી સુધી રચાયેલા પંચ પરથી તો દેખાય છે તેમાં પણ કોઈ ચોકકસ ગુનેગારો પકડાયા કે તેમને પંચના અહેવાલ બાદ સજા થઈ હોય તેવું લાગતું નથી. એનો સીધો અર્થ થાય જેને ઘટના કે ક્રાઈમ પાછળ રહેલા ગુનેગારો તેટલા વર્ષથી છૂટા ફરે છે. આમ પંચ હોય કે પોલીસ વ્યવસ્થાના લીધે જાણ અજાણે ગુનેગારોને છાવરવાનું કામ થાય છે અને તેમાં આપણે સૌ ભાગીદાર થઈએ છીએ.
સમાજમાંથી ગુનેગાર ઝડપથી પકડાઈ તેના યોગ્ય સ્થાન એટલે કે જેલ ભેગો થાય તે સમાજના પણ હીતમાં છે. પરંતુ એવું થતું નથી તે આપણું દુર્ભાગ્ય ગણીએ તો કંઈ ખોટું નથી. હમણા એક વ્યક્તિએ વાત કરી કે દારૂ પકડીને ગૌરવના લઈ શકાય કારણ કે તે દારૂ લાવનાર તત્વો પકડાતા નથી કે દારૂ ઘૂસાડવાની પ્રથા બંધ કરાવી શકતા નથી ! ત્યાં રસ્તે જતાં પૂર્વ પોલીસે અનુભવ જાહેર કર્યો કે પેરેલલ ગર્વમેન્ટના બજેટ જેટલાં નાણાં તેમા ફરે છે કોને રસ પડે !!