આઈસીસીએ આગામી વર્ષે રમાનારા અન્ડર-૧૯ ક્રિકેટ વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વિશ્વ કપ દક્ષિણ આફ્રિકામાં આગામી વર્ષે ૧૭ જાન્યુઆરીથી રમાશે. ફાઇનલ ૧૯ ફેબ્રુઆરીએ યોજાશે. અન્ડર-૧૯ વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત છે. તે આફ્રિકાની ધરતી પર પોતાનું ટાઇટલ બચાવવા ઉતરશે.
આફ્રિકા બીજીવાર અન્ડર-૧૯ વિશ્વકપની યજમાની કરશે. આ પહેલા તેણે ૧૯૯૮મા યજમાની કરી હતી.
આગામી વર્ષે વિશ્વકપમાં ૧૬ ટીમો રમશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ આ ટીમોને ૪-૪ના ગ્રુપમાં વહેંચી છે. ભારતને ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની સાથે ગ્રુપ એમા રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં જાપાનની ટીમ પણ હશે.
ભારત પોતાની પ્રથમ મેચ ૧૯ જાન્યુઆરીએ શ્રીલંકા વિરુદ્ધ રમશે. આ મેચ બ્લોમફોન્ટેનમાં રમાશે. ભારતીય ટીમ ત્યારબાદ ૨૧ જાન્યુઆરીએ જાપાન અને પછી ૨૪ જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ૧૭ જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા રમશે.
અન્ડર-૧૯ વિશ્વકપમાં આઈસીસીના ૧૧ પૂર્ણ સભ્ય અને પાંચ રીઝનલ ચેમ્પિયન રમશે. રીઝનલ ટીમો ક્વોલિફાઇ કરી ચુક્યા છે. તમામ ટીમો ૧૨થી ૧૫ જાન્યુઆરી વચ્ચે જોહનિસબર્ગ અને પ્રિટોરિયામાં પ્રેક્ટિસ મેચ રમશે.
અન્ડર-૧૯ વર્લ્ડકપના ચારેય ગ્રુપ આ પ્રકારે છેઃ
ગ્રુપ-એઃ ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને જાપાન.
ગ્રુપ-બીઃ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને નાઇઝિરીયા.
ગ્રુપ-સીઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ.
ગ્રુપ-ડીઃ દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, યૂએઈ અને કેનેડા.