હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ આજે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જે ભારતીય જનતા પાર્ટી માટે એટલા આશાસ્પદ રહ્યા ન હતા જેટલા એક્ઝિટ પોલના તારણોમાં વાત કરવામાં આવી રહી હતી. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ગઠબંધને બહુમતિ મેળવી લેવામાં સફળતા મેળવી છે. આ ગઠબંધનને ૨૮૮ સીટો પૈકી ૧૬૦ સીટ મળી ગઈ છે. બહુમતિ માટેનો આંકડો ૧૪૫નો રહેલો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં તમામ પરિણામ જાહેર થયા બાદ શિવસેનાને ૫૭, ભાજપને ૧૦૩, એનસીપીને ૫૩ સીટો હાથ લાગી છે. અન્ય પાર્ટીઓ ૨૯ સીટો જીતી ગઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની પણ જીત થઇ છે. આદિત્યએ આની સાથે જ રાજનીતિમાં એન્ટ્રી કરી લીધી છે. બીજી બાજુ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે પરંતુ બહુમતિના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં સહેજમાં રહી જતાં તેના માટે પીછેહઠ સમાન પરિણામને ગણી શકાય છે. હરિયાણામાં કોંગ્રેસને ૩૧ સીટો મળી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જોરદાર સ્પર્ધા પુરવાર થતાં સૌથી નિર્ણાયક ભૂમિકા જનનાયક જનતા પાર્ટીએ અદા કરી છે. તેની હવે સત્તામાં નિર્ણાયક ભૂમિકા રહી શકે છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં પણ સરકાર બનાવી લેવા માટેની આશા રાખી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી પણ સક્રિય થઇ ગયા છે. બંને પાર્ટીઓએ જનનાયક જનતા પાર્ટી સાથે વાતચીત શરૂ કરી છે. સરકારનો દાવો પણ મુખ્યમંત્રી ખટ્ટર દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ પરિણામો ચોક્કસપણે ભાજપને નિરાશામાં મુકે તેવા રહ્યા છે. અગાઉ આજે સવારે મતગણતરીની શરૂઆત થઇ હતી. એક્ઝિટ પોલના તારણ મુજબ મહારાષ્ટ્રમાં તો ભાજપ અને શિવ સેનાએ જોરદાર સપાટો બોલાવીને સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. બીજી બાજુ હરિયાણામાં એક્ઝિટ પોલના તારણો પરિણામ મુજબ રહ્યા ન હતા. મતગણતરી શરૂ થયા બાદ તરત જ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાએ જોરદાર લીડ મેળવી લીધી હતી. અને છેલ્લે સુધી લીડ જાળવી રાખી હતી. જ્યારે હરિયાણમાં ભારે ફેરફાર જોવા મળ્યા હતા. કેટલીક વખત ભાજપે લીડ મેળવી હતી. જ્યારે કોંગ્રેસ પણ વધારે દુર દેખાઇ રહી નથી. મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતિ માટેના ૧૪૫ સીટોના આંકડા મુજબ ૧૦૩ સીટો મળી છે જ્યારે શિવસેનાને ૫૭ સીટો મળી છે. કોંગ્રેસને ૪૬ અને એનસીપીને ૫૩ સીટો મળી છે. અન્યોના ખાતામાં ૨૯ સીટો પહોંચી છે. ભાજપ અને શિવસેનાએ ૧૬૦ સીટોનો આંકડો મેળવ્યો છે જે એક્ઝિટ પોલના તારણ કરતા ખુબ ઓછો આંકડો દેખાઈ રહ્યો છે. હરિયાણામાં ત્રિશંકુ સ્થિતિ સર્જાઈ ગઈ છે જેથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ સરકાર બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. આવી જ રીતે હરિયાણમાં બહુમતિ માટે ૪૬ સીટોની જરૂર છે જે પૈકી ભાજપે પરિણામ જાહેર થયા બાદ ૪૦, કોંગ્રેસે ૩૧, જનનાયક પાર્ટીએ ૧૦ અને અન્યોએ આઠ સીટો મેળવી હતી. આની સાથે જ હરિયાણામાં દુવિધાભરી સ્થિતિ સર્જાઈ ગઈ છે. સત્તાની ચાવી જનનાયક પાર્ટી પાસે પહોંચી છે. બંને રાજ્યોમાં અપેક્ષા કરતા ઓછુ મતદાન ૨૧મી ઓક્ટોબરના દિવસે થયુ હતુ. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ ૨૧મી ઓક્ટોબરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા જે મુજબ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને સત્તામાં વાપસી કરવાના સંકેત આપવામાં આવ્યા હતા. જો કે એક્ઝિટ પોલના તારણમાં હરિયાણાના સંબંધમાં સંકેત પુરતા સાબિત થયા નથી. હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા રહી છે. પોલના મહાપોલમાં કહેવામાં આવ્યુ હતુ કે હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી ૬૭ સીટો જીતીને બહુમતિ સાથે સરકાર બનાવશે.
પરંતુ આ પ્રકારની સ્થિતી રહી નથી. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ ૧૦ બેઠકો જીતી લીધી હતી અને ૫૮.૨૧ ટકા મત મળ્યા હતા. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ૪૮ પૈકી ૪૧ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો અને ૫૧.૩ ટકા મત મેળવ્યા હતા. એકબાજુ હરિયાણામાં ૬૨થી ૬૫ ટકા વચ્ચેનું મતદાન થયું હતું જ્યારે મહારાષ્ટ્રમાં ૫૪થી ૫૮ ટકા વચ્ચે મતદાન થયું હતું.મતદાનની સાથે જ હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો માટે ૧૦૪ મહિલા ઉમેદવાર સહિત ૧૧૬૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ ઉમેદવારોના ભાવિ જાહેર કરવામાં આવ્યા હતા. હરિયાણામાં ૧.૮૩ કરોડ મતદારો પૈકી મોટા ભાગના મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હરિયાણામાં ૯૯ લાખ પુરુષો અને ૮૫ લાખ મહિલા મતદારો પૈકી ૬૧ ટકાથી વધુ મતદારોએ ભારે ઉત્સાહ વચ્ચે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હરિયાણામાં ૧૬૩૫૭ મતદાન મથકો પર મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૨૮૧ વિધાનસભા સીટ માટે તેમના પસંદગીના પ્રતિનિધિઓ ચૂંટી કાઢવા માટે ૮.૯ કરોડ મતદારો પૈકી આશરે ૫૫ ટકાથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગક કરવા બહાર નિકળ્યા હતા.