ન્યૂઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન ઈંગ્લેન્ડ સામે રમાનારી ટી૨૦ સિરીઝમાં રમશે નહીં. તે ઈજાને કારણે ટીમથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ફાસ્ટ બોલર ટીમ સાઉદી ટીમની કમાન સંભાળશે. ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમ પાંચ મેચોની ટી૨૦ સિરીઝ રમશે જેનો પ્રારંભ ૧ નવેમ્બરથી થશે. બંન્ને ટીમો વચ્ચે ૨૧ નવેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પણ પ્રારંભ થવાનો છે.
વિલિયમસનને આરામ આપવાનો નિર્ણય ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પ્લંકટ શીલ્ડમાં નોર્થન ડિસ્ટ્રિક અને કેન્ટબરી વચ્ચે હેગ્લે ઓવલ મેદાન પર રમાયેલી મેચ બાદ લેવામાં આવ્યો હતો. આ મેચમાં તે નોર્થન ડિસ્ટ્રિકની આગેવાની કરી રહ્યો હતો. ટીમના કોચ ગેરી સ્ટીડે કહ્યું, ’અમે છેલ્લા ઘણા સમયથી તેની ઈજા પર નજર રાખી રહ્યાં હતા. આ ઈજાને કારણે માર્ચમાં બાગ્લાંદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચથી પણ બહાર રહ્યો હતો. વિલિયમસનને કુલ્હાની ઈજા છે.’
તેમણે કહ્યું, ’આ વિલિયમસન માટે નિરાશાજનક સમય છે. પરંતુ અમને લાગે છે કે આવનારી વ્યસ્ત સિઝનને જોતા આ યોગ્ય નિર્ણય છે.’ ટીમ સાઉદી આ પહેલા સપ્ટેમ્બરમાં શ્રીલંકા વિરુદ્ધ ટી૨૦ ટીમની આગેવાની કરી ચુક્યો છે. ન્યૂઝીલેન્ડના કોચે કહ્યું, ’અમે ભાગ્યશાળી છીએ કે અમારી પાસે ટીમ સાઉદી જેવો અનુભવી ખેલાડી છે, જે સરળતાથી જવાબદારી લઈ શકે છે. તેણે શ્રીલંકાના પ્રવાસ પર આ કામને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો.’
ન્યૂઝીલેન્ડની ટી૨૦ ટીમઃ ટિમ સાઉદી (કેપ્ટન), કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ટિન ગુપ્ટિલ, સ્કોટ કુગલીજન, ડેરિલ મિચેલ, કોલિન મુનરો, જિમી નીશમ, મિચેલ સેન્ટનર, ટિમ સેફર્ટ (વિકેટકીપર), ઈશ સોઢી, રોસ ટેલર, બ્લેયર ટિકર, લોકી ફર્ગ્યુસન (મેચ ૧-૩), ટ્રેન્ટ બોલ્ટ (મેચ ૪-૫).