આ વખતે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ વિપક્ષોએ ઈવીએમ પર કોઈ સવાલ ઉઠાવ્યા નથી.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની અપેક્ષા પ્રમાણે પરિણામો આવ્યા નથી. હરિયાણામાં ભાજપને હવે બીજા પક્ષોના ટેકાથી સરકાર બનાવવી પડે તેવી સ્થિતિ છે. કોંગ્રેસને હરિયાણામાં ૩૧ બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ ૧૦૦ કરતા વધારે બેઠકો મેળવી શક્યા છે. જોકે આ તમામ બાબતોની વચ્ચે વિપક્ષોએ આ વખતે ઈવીએમ પર એક પણ સવાલ ઉઠાવ્યો નથી.એવુ લાગે છે કે, આ વખતે ઈવીએમને વિરોધ પક્ષોએ ક્લીન ચીટ આપી દીધી છે. બાકી અગાઉની ચૂંટણીમાં જ્યારે જ્યારે પણ ભાજપનો જંગી બહુમતિથી વિજય થયો હતો ત્યારે વિપક્ષી નેતાઓએ ઈવીએમમાં છેડછાડના આરોપો મુક્યા હતા. આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા પણ ઈવીએમનો મુદ્દો હાવી રહ્યો હતો. તે વખતે વિદેશમાં રહેતા એક કહેવાતા એક્સપર્ટે દાવો કર્યો હતો કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ હેક કરવામાં આવ્યુ હતુ.