હીરાના કારીગરોએ યુ ટ્યુબ વીડિયો જોઇ બનાવટી નોટો છાપી, ૫ની ધરપકડ

433

સુરતના હીરાના વેપારમાં ખરેખર મંદીને પગલે હીરાના કારીગરો ભોગ બની રહ્યાં છે, જેનો કિસ્સો સામે આવ્યો છે. હીરાના કારખાનાઓમાં મંદીના કારણે કામ ન હોવાથી સુરતના ૫ હીરાના કારીગરોએ યુ ટ્યુબ પર વીડિયો જોઇને ૪ મહિનાથી નોટો છાપવાનુ શરૂ કર્યું હતું. આ બનાવટી નોટો વડોદરાના બજારમાં ફરતી કરનાર બે શખ્સોની એસઓજીએ બે દિવસ પહેલાં ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંને આરોપીની પૂછપરછમાં તપાસ સુરત સુધી પહોંચી હતી. એસઓજી પોલીસે સુરતમાંથી આ કાવતરાના માસ્ટર માઇન્ડ સહિત વધુ ૫ આરોપીની ધરપકડ કરી છે.

બે દિવસ પહેલાં જ વડોદરા શહેર એસઓજી પોલીસે રૂ. ૮૭૫૦૦ની ૫૦૦ના દરની બનાવટી નોટો સાથે અભિષેક વિવેકભાઇ સુર્વે અને સુમિત મુરલીધર નામ્બીયારની ધરપકડ કરી હતી. પોલીસે બન્નેની પૂછપરછ કરતા તપાસનો રેલો સુરતના એ.કે રોડ પરની રૂપમ સોસાયટી સુધી પહોંચ્યો હતો. જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડી નકલી નોટોના કોભાંડના ભેજાબાજ આશિષ ધનજીભાઇ સુરાણી, સંજય વિનોદભાઇ પરમાર, કુલદિપ કિશોરભાઇ રાવલ, અભિષેક ઉર્ફે ઢીંગો જયરામભાઇ માંગુકીયા અને વિશાલ વલ્લભભાઇ સુરાણીની ધરપકડ કરી હતી. અને પોલીસે બે કલર પ્રિન્ટર, કોરા કાગળો અને બનાવટી નોટો મળીને ૨૨,૩૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો..

Previous articleઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર એસિડ એટેક કરતા ખળભળાટ
Next articleધનતેરસે જ લક્ષ્મી ત્યજાઈ…રેલવે ક્રોસિંગ પાસેથી ભ્રૂણ મળી આવતા ખળભળાટ