ભારત પ્રવાસ પહેલાં હાલમાં જ બાંગ્લાદેશી ક્રિકેટરોની હડતાળ ખતમ થઈ ગઈ છે. જે બાદ ભારત સીરિઝમાં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પણ આ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટેસ્ટ અને ટી ૨૦ ટીમના કેપ્ટન શાકીબ અલ હસનને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. શકિબને આ નોટીસ એ માટે આપવામાં આવી છે, કેમ કે તેણે નિયમોનું પાલન ન કરતાં એક ટેલિકોમ કંપની સાથે કરાર કરી લીધો હતો.
શાકીબ બાંગ્લાદેશની ગ્રામીફોન નામની ટેલિકોમ કંપનીનો બ્રાન્ડ એમ્બેસડર બની ગયો છે. જેની સૂચના તેણે બોર્ડને ક્યારેય આપી ન હતી. તેવામાં બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસને તેને કારણદર્શક નોટિસ જાહેર કરતાં કહ્યું કે, જો આ મામલામાં શાકીબ સંતોષકારક જવાબ નહીં આપી શકે તો તેની સામે કડક કાર્યવાહી થશે.
ટેલિકોમ કંપની ગ્રામીફોને ૨૨ ઓક્ટોબરે ઘોષણા કરી હતી કે, દેશના પ્રમુખ ક્રિકેટર શાકીબ અલ હસન તેનો બ્રાન્ડ એમ્બેસડર હશે. બાંગ્લાદેશી ક્રિકેટર દ્વારા હડતાળની જાહેરાત બાદ શકિબે ગ્રામીફોન કંપની સાથે કરાર કર્યો હતો.
જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્લેયર્સ એગ્રીમેન્ટ હેઠળ કોઈપણ ક્રિકેટર કોઈપણ ટેલિકોમ કંપની સાથે જોડાઈ શકતો નથી. નઝમુલ હસને કહ્યું કે, શાકીબ કોઈ ટેલિકોમ કંપનીની સાથે કરાર કરી શકે નહીં અને આ અંગે તેના બીસીબીની સાથે થયેલ થયેલ કોન્ટ્રાક્ટમાં સાફ રીતે લખેલું છે.