અમદાવાદ : પ્રકાશના પર્વ એવા દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આ પાવન પર્વમાં ચોપડા પૂજનનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ વેપારીઓ ચોપડા પૂજન માટે મણિનગરના કુમકુમ મંદિર પહોંચ્યા. જ્યાં સમૂહ ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું. તો કેટલાક વેપારીઓએ લેપટોપ અને કમ્પ્યુટરની પૂજા કરી.
સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર દિવાળીમાં ચોપડા પૂજનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે સ્વામીનારાયણ કુમકુમ મંદિરના મહંત આનંદ પ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં વેપારીઓએ પરંપરાગત રીતે ચોપડાનું પૂજન કર્યું . તો આધુનિક ટેકનોલોજીના યુગમાં કેટલાક વેપારીઓએ લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું પૂજન કર્યું.કુમકુમ મંદિરના સંત પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું કે છેલ્લા ૩૦ વર્ષ થી મંદિરમાં ચોપડા પૂજન કરવામાં આવે છે. વેપારીઓ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી આ પૂજન કરે છે. આ પ્રસંગે આનંદ પ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમલોમાં પ્રાર્થના કરી હતી કે સૌ કોઈને વેપાર ધંધામાં સફળતા મળે. આર્થિક અને શારીરિક રીતે સૌ સુખી થાય. આખાય ભારતની આર્થિક મંદીમાંથી દૂર થાય અને ભગવાન સૌને સુખી કરે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.
તો આ પ્રસંગે વેપારી પ્રફુલ્લભાઈ ઠક્કરએ જણાવ્યું કે ચોપડા પૂજન ભગવાન સમક્ષ અને સ્વામીજીના સાનિધ્યમાં કરાયું છે. વેપારીઓનું નવું વર્ષ સારું રહે તે જ અભ્યર્થના છે. આમ વર્ષના અંતિમ દિવસ એટલે કે દિવાળીના પર્વએ વેપારીઓએ સરસ્વતી પૂજન કરી આવનારુ વર્ષ મંગલ મયી રહે અને તેમના વેપાર ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરી.