ફાસ્ટટ્રેક ગર્વનમેન્ટની કાર્યપદ્ધતિને સાકાર કરવા વિકાસ કામોમાં ઝડપની માનસિકતા કેળવવી પડશે:- મુખ્યમંત્રી

351

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વિકાસના કામો ઝડપ સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કચ્છ જિલ્લાના અધિકારીઓને અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે લોકોને હવે ઝડપી કામકાજ થાય તેવી અપેક્ષા છે ત્યારે ફાસ્ટટ્રેક ગર્વનમેન્ટની કાર્યપદ્ધતિને ચરિતાર્થ કરવા સંબંધિત વિભાગોએ પણ વિકાસ કામો નિર્ધારીત સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવાની માનસિકતા કેળવી પડશે.બળદીયા મુકામે વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સ્મૃતિવન પ્રોજેકટ, નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ, ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ, ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભુજીયા ડુંગર સ્થિત સ્મૃતિવન પ્રોજેકટની સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ અધિકારીઓએ અત્યાર સુધીમાં રૂ.૧૧૦.૨૫ કરોડનો ખર્ચ સાથે ૭ કામો પ્રગતિ હેઠળ અને ૬ કામો પૂર્ણ થયાં હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ વધુ મેનપાવર સાથે પ્રોજેકટના કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપી સુનિશ્ચિત સમયમાં કામ પૂર્ણ થવું જોઇએ તે બાબતે મીકેનીઝમ ગોઠવવા આદેશ કર્યા હતા. ભુજીયાની તળેટીમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા ઉપર તેમજ ડ્રીપ ઇરીગેશનથી વૃક્ષોનો ઉછેર થાય છે કે કેમ તેની પણ પૃચ્છા કરી હતી. રૂપાણીએ પ્રોજેકટ સ્થિત સોલાર પ્લાન્ટ અને તેના મેન્ટેનન્સ અંગે પણ જાણવા માગ્યું હતું.

કચ્છ બ્રાંચ કેનાલના કામો તેમજ મોડકુબા સુધી નર્મદા કેનાલના કામોની પ્રગતિની સમીક્ષા કરતા  વિજયભાઈ રૂપાણીએ મોડકુબા સુધી નર્મદા નહેર લાવવા જમીન સંપાદનના ૧૭ કેસોનો ત્વરિત નિકાલ સંદર્ભે ખેડૂતોની સંમિત મેળવવા માટે રાજયમંત્રી  વાસણભાઈ આહિર અને માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને જવાબદારી સંભાળવા સાથે કચ્છના હિતમાં ખેડૂતોને સમસજાવી સંમતિ સાધવા અને ગાંધીનગર જરૂર પડે બેઠક કરવા જણાવ્યું હતું. કચ્છને ઘાસચારા ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાની યોજનાની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કચ્છને ઘાસચારા માટે સ્વાવલંબી બનાવવા વન વિભાગની કામગીરીની પણ વિગતો મેળવી આ ક્ષેત્રે નકકર કામ કરવા ખાસ ભાર મૂકયો હતો.

આ ઉપરાંત ઘાસ સંગ્રહ માટેના ગોડાઉન ઊભાં કરવાના કામોની પણ સમીક્ષા કરી હતી. બન્ની વિસ્તારમાં ઘાસ-વાવેતર અંગે પણ તેમણે ઊંડો રસ લઇ પડતર જમીનમાં ઘાસ ઉગાડવા પ્લોટ નકકી કરી જરૂર પડે એક્ષપર્ટને સાથે રાખી સમગ્ર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. શ્રી રૂપાણીએ નકકર આયોજન સાથેની દરખાસ્ત રજૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.ખાસ કરીને ભુજ નજીકના ભુજોડી ઓવરબ્રીજના કામમાં ગતિ લાવવા અને જે કાંઇ મુશ્કેલી હોય તેના નિવારણ માટે બે દિવસ ગાંધીનગરમાં બેઠક કરી મંજૂરી લઇને ઝડપભેર કામ પૂર્ણ કરવા ઉપર વિશેષ ભાર મૂકયો હતો.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ જીનિવાથી શ્યામજી કૃષ્ણવર્માના અસ્થિ કળશ લાવીને જેની રચના કરી છે તે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ભારતના એક માત્ર ક્રાંતિગુરૂના સ્મારકને ક્રાંતિના સંદર્ભ નમૂનારૂપ આદર્શ સ્થળ બનાવવા પણ દિશા નિર્દેશ આપ્યો હતો.

આ પ્રસંગે સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન મંત્રી  વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય, માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય  વિરેન્દ્રસિંહજાડેજા, કચ્છ-ભાજપના પૂર્વાધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી  પ્રભવ જોષી, કચ્છ આઇ.જી.સુભાષભાઈ ત્રિવેદી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયા, પૂર્વ વિભાગના પોલીસ વડાશ્રી પરિક્ષિતા રાઠોડ, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, નર્મદા વિભાગના શ્રીનિવાસન, સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસંત અબજીબાપાએ અનેકવિધ લોકસેવાના કાર્યો કર્યા છે : મુખ્યમંત્રી
Next articleલાયન્સ કલબ ઓફ હિંમતનગર દ્વારા “ટુર દી લાયન” એ સાયકલ રેલી સ્વાગત કરાયું