વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ ભાવનગરમાં હશે

940



અમદાવાદ, તા.૧૦
સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડ (જીઆઇડીબી) દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંગે લંડનની કંપનીએ મંજૂરી પણ આપી દીધી છે. વાહનોની નિકાસ માટે રો-રો જેટી, લિકવિડ-કન્ટેનર ટર્મિનલ તેમાં બનાવવામાં આવશે. સ્વીસ ચેલેન્જ પધ્ધતિથી તેને બનાવાશે. જેમાં બે લોકગેટ બનાવાશે. આ પ્રોજેક્ટથી ધોલેરા સરને ખૂબજ ફાયદો થશે તેઓના તમામ પ્રોજેક્ટની આયાત-નિકાસ અહીંથી શક્ય બનશે. બ્રોડગેજ રેલવે, નેશનલ હાઇ-વેથી પોર્ટ કનેક્ટ છે જ, તેથી દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. યુ.કે.માં હેડક્વાર્ટર ધરાવતી કંપની ફોરસાઇટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ અને અમદાવાદની પદમનાભ મફતલાલ ગ્રુપ દ્વારા ભાવનગર પોર્ટ નજીક નવું પોર્ટ ટર્મિનલ બનાવવામાં આવશે. લંડન સ્થિત કંપનીએ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) સાથે વાયબ્રન્ટ ગુજરાતની ૨૦૧૯ની આવૃત્તિ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે સીએનજી ટર્મિનલ બનાવવા માટેના કરાર કર્યા હતા. પ્રસ્તાવિત પોર્ટ ટર્મિનલથી વાર્ષિક ૬૦ લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલીંગ કરવામાં આવશે. ભાવનગર પોર્ટ દ્વારા ગત વર્ષે ૩૧ લાખ ટન કાર્ગોનું હેન્ડલીંગ કરવામાં આવ્યું હતું. જે ઇતિહાસમાં સૌથી વધુ હતું. નવું ટર્મિનલ બનવાથી ભાવનગર બંદરનો વિકાસ રોકેટ ગતિએ થશે. ભાવનગર બંદરની નોર્થ ક્વે જેટી પર નવો પ્રોજેક્ટ આકાર લેશે, જ્યારે દક્ષિણ દિશામાં આવેલી કોંક્રિટ જેટી પર વર્તમાન વ્યવસ્થાથી કાર્ગો હેન્ડલીંગ ચાલુ રહેશે. નોર્થ ક્વેનું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરનું લંડનની કંપની દ્વારા નવિનીકરણ કરવામાં આવશે, બેસિનમાં ૧૦ મીટરનો ડ્રાફ્‌ટ મળી રહે તેને ધ્યાનમાં રાખીને ડ્રેજીંગ કરવામાં આવશે, ભાવનગર બંદરથી એન્કરેજ પોઇન્ટ સુધીની ચેનલ વધુ પહોળી અને ઉંડી બનાવવામાં આવશે. ઉપરાંત ભાવનગર નવા બંદરે નવા બે લોકગેટ બનાવવામાં આવશે જેના વડે ભરતી-ઓટની અસર વિના બેસિનમાં કાર્ગો હેન્ડલીંગની પ્રક્રિયા ચાલુ રહેશે. કુલ રૂ.૧૯૦૦ કરોડના પ્રોજેક્ટ પૈકી પ્રથમ ચરણમાં રૂપિયા ૧૩૦૦ કરોડ અને દ્વિતિય ચરણમાં ૬૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. કંપનીને પ્રારંભિક કામગીરી આરંભવા માટે જીઆઇડીબી સાથેનો વિસ્તૃત કરાર પર ટુંક સમયમાં સહી સિક્કા કરવામાં આવશે. સીએનજી ટર્મિનલ ઉપરાંત લિક્વિડ કાર્ગો ટર્મિનલ, કન્ટેનર, વાહનોની નિકાસ માટે રો-રો ટર્મિનલ પણ બનાવવામાં આવશે. જીએમબી માટે ભાવનગર બંદર મહત્વપૂર્ણ છે, ગત વર્ષે ૩૩ લાખ ટન કાર્ગો હેન્ડલીંગ કર્યો હતો. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ હવે ભાવનગર બંદર પર આકાર લેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો એક નવો કીર્તિમાન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે મહત્વાકાંક્ષી અને દુનિયાના સર્વપ્રથમ એવા સીએનજી ટર્મિનલની ભાવનગર બંદર પર સ્થાપનાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, યુકે સ્થિત ફોરસાઇટ જુથ અને મુંબઇ સ્થિત પદમનાભ મફતલાલ ગૃપના સહયોગમાં ૧૯૦૦ કરોડના મૂડી રોકાણથી સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) પોર્ટ ટર્મિનલ ભાવનગર બંદરે નિર્માણ પામશે. મુખ્યમંત્રીએ જીઆઈડીબીના અધ્યક્ષ તરીકે આ દરખાસ્તને ગુજરાત સરકાર તેમજ ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડની મંજૂરી આપી છે. વિશ્વના સૌ પ્રથમ આ સીએનજી ટર્મિનલની સીએનજીની ક્ષમતા વાર્ષિક ૧.૫. મિલીયન મેટ્રીક ટનની હશે.
આ સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગૃપ વચ્ચે ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમીટ દરમિયાન એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં હાલ બે એલએનજી ટર્મિનલ દહેજ અને હજીરામાં કાર્યરત છે.

Previous articleઆપનો આજનો દિવસતા.૧૧-૧૧-૨૦૧૯ સોમવાર
Next articleઆઈટીઆઈ ગઢડા ખાતે એસટી બસનો શુભારંભ