ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલ અને ૧૫ હજારની વસ્તી ધરાવતા નાનકડા ઢસા ગામમા વિરાટ કહી શકાય તેવું અને વિશિષ્ઠ મોક્ષધામ-સ્મશાન નિર્માણ થવા જઈ રહ્યું છે જેનાથી સમગ્ર ગુજરાતમાં ઢસાના ગ્રામજનો અને દાતાઓ ગૌરવ લઇ શકશે. મૃતકના દેહના અંતિમ સંસ્કારથી લઈ બારમાંનીવિધિની તમામ ક્રિયાઓ એક જ સ્થળ પર કરી શકાય તેવી વ્યવસ્થા અહીં ઉપલબ્ધ બનશે. દાવો થઈ રહ્યો છે કે આવું સ્મશાન ગૃહ ગુજરાત બહાર પણ કદાચિત ક્યાંય નહીં હોય..!!
ઢસા ગામના મોક્ષધામના નવ સર્જન માટે ઘણા સમયથી ગ્રામજનોમાંવિચાર સ્ફુરેલો તેવામાં સરપંચ મુકેશભાઈ રાજપરાએ તેમને ત્યાં બે માસ પૂર્વે યોજાયેલ ભાગવત સપ્તાહના પ્રસંગ વેળા મોક્ષધામ માટે અનુદાન આપવા લોકોને અપીલ કરતા આવિચારને વેગ મળ્યો અને લોકોએ કાર્ય ઉપાડી લીધું સાથે નમૂનેદાર મોક્ષધામ બનાવવા સૌ પ્રતિબધ્ધ બન્યા. અપીલના પગલે એ સમયે જ રૂ.૮૯ લાખનું માતબર અનુદાન એકત્ર થતા કૈલાસધામ સેવા ટ્રસ્ટની રચના કરી તેમાં ગામમાંથી દરેક સમાજને પ્રતિનિધિત્વ આપી આ કાર્ય આગળ ધપાવાઈ રહ્યું છે. હાલ આયોજન માટે મીટિંગ અને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગામમાંથી નાનામાં નાના વ્યક્તિએ અનુદાન આપ્યું સાથે સુરત સ્થાયી થયેલા વેપારીઓ અને હીરા ઉદ્યોગપતિઓ પણ અનુદાનનો ધોધ વરસાવી રહ્યા છે.આથી દસ વિઘા જેટલી વિશાળ જગ્યામાં સ્મશાનનું નવ-નિર્માણ થશે અને ઢસાગામને ચાર ચાંદ લાગશે સંભવત આગામી એપ્રિલ માસથી ખાતમુહર્ત સાથે મોક્ષધામનું નિર્માણ કાર્ય શરૂ થશે. હાલમાં જમીન લેવલનું કાર્ય પુરજોશમાં શરૂ છે જેમાં જેસીબી અને ટ્રેક્ટર ધારકો તરફથી શ્રમદાન પ્રાપ્ત થઈ રહ્યું છે. સૂચિત મોક્ષધમને ઉત્તમ અને વિશિષ્ટ સુવિધાથી સજ્જ કરવા બે કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે ખાસ કરીને આ સ્મશાનમાં આધુનિક સુવિધાઓ,બાગ બગીચાની સાથે સાથે વ્યક્તિના મરણથી લઈ બારમાં સુધીની તમામ કાર્ય થઈ શકે એ માટે કોમ્યુનિટી હોલ સહિતની વ્યવસ્થા ઉભી કરવા આયોજન કરવામાં આવ્યું છે.
Home Uncategorized ઢસામાં નિર્માણ પામશે ‘મોડેલ’ સ્મશાન : અંતિમ સંસ્કારથી લઇ બારમાંની ક્રિયા મોક્ષધામ...