આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રીઓ ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક મળી હતી. વંદે માતરમના ગાન બાદ, સર્વ સમાવેશક વિકાસલક્ષી બજેટ આપવા બદલ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ તાજેતરમાં પૂર્ણ થયેલી નગરપાલિકાઓ તથા જીલ્લા/તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપાને મળેલી ભવ્ય જીત બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ગુજરાતના જાગૃત નાગરિકોનો પણ પુનઃ આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫મી માર્ચના રોજ “મનકી બાત” કાર્યક્રમના માધ્યમથી દેશભરની જનતા સાથે સીધો સંવાદ કરશે. “મનકી બાત” એ “લોકમન”નું પ્રતિબિંબ છે. “લોકજાગૃતિ”નું માધ્યમ છે તેમજ “ન્યુ ઇન્ડિયા”ના નિર્માણ માટેની પ્રેરક દિશા છે. “મનકી બાત” દ્ધારા જનજીવનના અનેક વિષયોને આવરી લઈને હકારાત્મક, ઉત્સાહજનક અને પ્રેરણાત્મક પ્રસંગો દ્ધારા એક કાર્ય પ્રેરણા અને યોગ્ય દિશા મળતી હોય છે. લોકોની સહભાગીતા દ્ધારા આયોજનબધ્ધ રીતે આ કાર્યક્રમને આગામી ૨૫મી માર્ચના રોજ ભાજપા દ્ધારા ગુજરાતના તમામ શક્તિકેન્દ્રો પર કાર્યકરો તથા સમર્થકો સાથે સામૂહિક રીતે સાંભળવા માટેના કાર્યક્રમ યોજવા અંગેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.