કેપ્ટન વિરાટ કોહલીના શાનદાર ૧૩૬ રન અને ઝડપી બોલરોના કમાલની મદદથી આજે ભારતીય ટીમે નવો ઇતિહાસ સર્જયો હતો. બાંગ્લાદેશને સિરિઝની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે જ જીત મેળવી લીધી હતી. ભારતીય ટીમને માત્ર ઔપચારિકતા પૂર્ણ કરવાની જરૂર હતી. જે આજે પૂર્ણ કરી લેવામાં આવી હતી. ભારતે આ ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૪૬ રને જીતી લીધી હતી. કોલકત્તાના ઐતિહાસિક મેદાન ખાતે રમાયેલી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓએ ભવ્ય દેખાવ કર્યો હતો. પિન્ક બોલ સાથે ડે નાઇટ ટેસ્ટ મેચ રમાઇ હતી. ભારતને ચાર વિકેટની જરૂર હતી. જે શરૂઆતી કલાકમાં જ ભારતીય બોલરોએ ઝડપી લીધી હતી. ત્રીજા દિવસે ઝડપી બોલર ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. મહેમુદુલ્લાએ રિટાર્યડ હર્ટ હોવાના કારણે રમી શક્યો હતો. આવી રીતે બાગ્લાદેશની ટીમ ૪૧.૧ ઓવરમાં ૧૯૫ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારતે બાગ્લાદેશની બીજી ઇનિગ્સને ૪૧.૧ ઓવરમાં ૧૯૫ રનમાં સમેટી લીધી હતી. પ્રથમ ઇનિગ્સમાં બાંગ્લાદેશની ટીમ ૧૦૬ રન કરીને આઉટ થઇ હતી. મેન ઓફ ધ મેચ અને સિરિઝ તરીકે ઇશાંત શર્માની પસંદગી કરવામાં આવી હતી. ઇશાંતે આ ટેસ્ટમાં કુલ નવ વિકેટ ઝડપી હતી.ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પિંક બોલ સાથે ટેસ્ટ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામ ઉપર કરી લીધો હતો. રન મશીન તરીકે ગણાતા વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે શ્રેણીની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે સદી પુરી કરી હતી. આની સાથે જ ડે નાઈટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટ મેચમાં સદીની સિદ્ધી મેળવી હતી. આ ઉપરાંત વિરાટ કોહલી કેપ્ટન તરીકે સદીના મામલામાં રિકી પોન્ટિંગને પાછળ છોડી દેવામાં સફળ રહ્યો હતો. ડે નાઈટ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ આજે સદી ફટકારી હતી. આની સાથે જ પોતાની ટેસ્ટ કરિયરની ૨૭મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ દાવમાં ૧૨ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં ઝડપી બોલરોના શાનદાર દેખાવને લીધે બાંગ્લાદેશની ટીમને પ્રથમ દાવમાં ૧૦૬ રન પર ઓલઆઉટ કરી દીધી હતી. વિરાટ કોહલીએ પિંક બોલ સાથે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ સદીના કારણે વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સદી ફટકારવાના મામલામાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દેવામાં સફળતા મળેવી હતી. રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે ૨૦મી સદી ફટકારી હતી. જોકે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન સ્મીથ હજુ પણ ટોપ ઉપર છે. સ્મિથે કેપ્ટન તરીકે ૧૦૯ ટેસ્ટ મેચોમાં ૨૫ સદી કરી હતી. કોહલીએ આ ટેસ્ટમાં ૧૩૬ રન કર્યા હતા. કોલકત્તા ટેસ્ટને રોમાંચક બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ મેચને યાદગાર બનાવવા માટે પગલા લેવાયા હતા.કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે શરૂ થયેલી ડેનાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે આ ટેસ્ટ મેચને યાદગાર બનાવવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોલકાતાના ઐતિહાસિક મેદાન પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચનું ઉદ્ઘાટન કરવા માટે પડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પહોંચ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, હરભજનસિંહ અને અન્ય તમામ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. આ ટેસ્ટ મેચને જોવા માટે તમામને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી બાજુ મેચમાં કોમેન્ટ્રી કરવા માટે પણ મહાન ખેલાડીઓને બોલાવવામાં આવ્યા હતા. તમામ દિગ્ગજોને આમંત્રણ અપાયું હતુ. ઉમેશ યાદવે જોરદાર દેખાવ કર્યો હતો. ઉમેશે બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી.