કલોલ કોર્ટમાં લવાયેલો આરોપી બાથરૂમ જવાનું કહી પોલીસ જાપ્તામાંથી ફરાર

903
gandhi2432018-5.jpg

કલોલ શહેર પોલીસના એ.એસ.આઈ ગત રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મુદ્દત ભરવા કાચા કામના ત્રણ કેદીને કલોલની કોર્ટમાં લાવ્યા હતા. જયાં કાર્યવાહી પતી ગયા બાદ એક કેદી લઘુશંકા કરવા કોર્ટના શૌચાલયમાં ગયો હતો તેની સાથે એ.એસ.આઈ પણ ગયા હતા અને બહાર આવ્યા બાદ કેદી તક જોઈને કોર્ટનો વરંડો ઠેકી ભાગી ગયો હતો કેદી પોલીસ જાપ્તમાંથી ભાગી છૂટતા ભારે દોડધામ મચી ગઈ હતી. પોલીસે તેનો પીછો કર્યો પણ કેદી પળવારમાં પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે અપુરતા જાપ્તા સાથે કેદીને કોર્ટમાં રજૂ કરનાર એ.એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ સંદભે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ કોર્ટમાં ગત રોજ પોલીસ જાપ્તા સાથે મુદત ભરવા આવેલો કેદી કોર્ટનો વરંડો ઠેકી ભાગી છૂટતા ભારે ચકચાર સાથે હોબાળો મચી ગયો હતો કલોલ શહેર પોલીસ મથકના એ.એસ.આઈ ગાભાજી મંગાજી ગત રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કલોલ કોર્ટમાં મુદ્દત ભરવા કાચા કામના કેદીઓ મંગાજી હિરાજી ઠાકોર તથા જીગ્નેશ મહેશભાઈ પટેલ અને અનિલ ધીરૃભાઈ પટેલને કલોલની કોર્ટમાં લાવ્યા હતા. જયાં કોર્ટની કાર્યવાહી પતી ગયા બાદ ત્રણેય આરોપીઓને સાબરમતી જેલમાં પરત મૂકવાના હતા ત્યારે કાચા કામનો કેદી મંગાજી હિરાજી ઠાકોરએ એ.એસ.આઈ ગાભાજીને લઘુશંકા કરવા જવાનું કહેતા ગાભાજી કોર્ટ સંકુલમાં આવેલ શૌચાલયમાં મંગાજીને લઘુશંકા માટે લઈ ગયા હતા.ત્યારબાદ લઘુશંકા કરીને બહાર આવેલ મંગાજીએ મોકો જોતા જ ભાગ્યો હતો અને પળવારમાં કોર્ટ સંકુલનો વરંડો કૂદી નાસ્યો હતો પોલીસ જાપ્તાના માણસોએ તેનો પીછો કર્યો હતો પણ આ દરમ્યાન ભાગેલો કેદી પલાયન થઈ ગયો હતો. પોલીસ જાપ્તામાંથી કેદી ભાગી છૂટતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભાગેલા કેદીને ઝડપી લેવા પોલીસ તંત્રએ ભારે પરસેવો પાડયો પણ કેદી હાથ આવ્યો ન હતો. જેથી પોલીસ તંત્ર ધ્વારા અપુરતા જાપ્તા સાથે કોર્ટમાં કેદીને લાવેલા એ.એસ.આઈ તથા કેદી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સાબરમતી મધ્યસ્થ જેલથી કાચા કામના ત્રણ કેદીને કોર્ટમાં મુદ્દત અર્થે રજૂ કરવા શહેર પોલીસના એ.એસ.આઈ ગાભાજી મંગાજી સાથે પોલીસના જવાનો મુકવામાં આવ્યા હતા જેમા શહેર પોલીસના પો.કો. નરેન્દ્રકુમાર મુળજીભાઈ, તથા કલોલ તાલુકા પોલીસના હે.કો.પ્રકાશભાઈ મોહનભાઈ, એલ.આર વિજયકુમાર ભીખાભાઈ અને સાંતેજ પોલીસ મથકનાં અશ્વીનકુમાર ગોવિંદભાઈને ફાળવેલા હતા જેમા તાલુકા પોલીસના જવાનો જાપ્તામાં આવ્યા ન હતા તેમ છતાં ગાભાજીએ પોલીસના ઉપરી અધિકારીને તેની જાણ કરી ન હતી અને અપુરતા જાપ્તા સાથે કેદીઓને કોર્ટમાં લાવ્યા હતા આમ પોતાની ફરજમાં બેદરકારી દાખવતા એ.એસ.આઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Previous articleશહેરમાં આજે વિશ્વ ક્ષય દિનની ઉજવણી 
Next article એપ્રિલથી મહાનગર પાલિકા દ્વારા લગાવેલ વાહન ટેક્ષનો અમલ કરાશે