ભાવનગર નજીકના ઘોઘાના દરિયાની સંરક્ષણ દિવાલ બનાવવા અનેક વખત જે-તે વિભાગને રજૂઆત કરાઈ છે પણ આજદિન સુધી નક્કર પરિણામ મળ્યું નથી જે બાબતે ઘોઘા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ (માલપર) દ્વારા મુખ્યમંત્રીને લેખીતમાં રજૂઆત કરાઈ છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ સદંતર તુટી ગયેલ છે, જે બાબતે ઘણા સમયથી અલગ-અલગ સરકારી વિભાગોમાં વારંવાર રજૂઆત કરેલ. આ દિવાલ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (જીએમબી), જિલ્લા પંચાયત ભાવનગર, ક્ષારઅંકુશ (સિંચાઈ વિભાગ) અને અલંગ મરીન આ હસ્તક ચાર ભાગમાં આવે છે. પરિણામે કોઈ વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી. આ બાબતે ભાવનગરમાં જે-તે સમયના કલેક્ટરને પણ અનેકવાર રજૂઆત કરેલ પરંતુ આજ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી.
દરિયાઈ ભરતી વખતે ગામમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાય છે તથા દરિયાઈ કિનારાનું ધોવાણ થતું જાય છે. જેના લીધે હાલમાં ધોવાણ થતા થતા ગામના રહેણાંકી વિસ્તાર સુધી પહોંચી જવાથી ગ્રામજનોને ખૂબ જ હાલાકી થયેલ તથા છેલ્લા ચોમાસામાં ઘોઘા ગામના અનેક વિસ્તારોમાં દરિયાના પાણી પણ ઘુસી ગયા હતા. તાત્કાલિક અસરકારક યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો મોટી હોનારત થવાની પણ શક્યતાઓ રહેલી છે.