રાજુલા નજીક મહાકાય પાવરપ્લાન્ટમાં મોકલાતા ઉચ્ચગુણવત્તાવાળા કોલસાને આખી ટ્રેન રોકાવી કોલસા કાઢી લેવા તેમજ તે કોલસો ભેળસેળયુક્ત કરી કરોડો રૂપિયાનું મહાકૌભાંડ બહાર આવ્યું. પોલીસે આ બાબતે ૪ ટ્રકોને પકડી પાડતા આ કોલસાનું પગેરૂ ગોંડલ તરફ તેમજ આનું નેટવર્ક રાજુલા, જામનગર સુધી મહાજાળ બહાર આવી. ગઈકાલે પીએસઆઈ યશવંતસિંહને બાતમીના આધારે કોવાયાના પાવર પ્લાન્ટમાં ભેળસેળ યુક્ત કોલસાના ચાર ટ્રકોને પકડી પાડેલથી ઉંડી તપાસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પાવર પ્લાન્ટમાં મોકલાતા ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસાને કાઢી લઈ નબળી ગુણવત્તાવાળો કોલસો પધરાવી દેવાયાનું કૌભાંડ ખુલ્યું હતું.
ભુતકાળમાં કોલસા કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોના નામ ખુલે તેવી શક્યતાઓ છે. કોલસા કૌભાંડ ભલે પીપાવાવમાં આચરવામાં આવ્યું હોય પણ તેની જાળ છેક રાજકોટ, જામનગર અને ગોંડલ વિસ્તારમાં પથરાયેલ છે. કોવાયાના પાવર પ્લાન્ટમાં કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ભેળસેળનું કૌભાંડ પોલીસ તપાસમાં ચાર ટ્રકોને રોકી પોલીસ હીરાસતમાં લીધેલ અને ઉંડી તપાસમાં એક પછી એક કૌભાંડના આકાઓની જાળ બહાર આવવા લાગી. આ ટ્રકો કોવાયા પહોંચે તે પહેલા ગોંડલની સીમમાં ઉભા રહેતા ત્યાં કોલસો કાઢી લઈ હલકી ગુણવત્તાવાળો કોલસો ભેળસેળ કરાતી ત્યારબાદ આ ટ્રકો કોવાયા પહોંચતા હતા. આવું જબરદસ્ત કોલસા કૌભાંડ માત્ર ચાર ટ્રકો કરે તેવી કોઈ સંભાવના નથી. રાજકોટ, જામનગર, ગોંડલના માફીયા કંપનીના ઉચ્ચ અધિકારીઓની મીલીભગતથી આ મહા કૌભાંડ આચર્યાનું કહેવાય છે. આ ચાર ટ્રકના ચાલકો પોલીસના હાથમાં આવ્યા નથી. ભૂતકાળમાં આ વિસ્તારના પીપાવાવ પોર્ટમાં આયાત થતા ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા ભેળસેળ માટે કોલ માફીયાની પહોંચથી આખે આખી માલગાડી ટ્રેન અટકાવી તંત્રની મીલીભગતથી જોવા મળી હતી. ભ્રષ્ટાચારી તંત્ર અને રાજકિય વગના ઉપયોગથી બે વર્ષ પહેલા પોર્ટમાંથી કોલસા ભરીને જતી ટ્રેન (માલગાડી) અટકાવી તેમાંથી મોટા પ્રમાણમાં કોલસો ઉતારી લેવામાં આવતો તે મહાકાંડના આજ સુધી કોઈ પગલા લેવાયા નથી અને ખાંભાના ડેડાણ જાફરાબાદના શેલાણા ગામેથી ઢગલા મોઢે કોલસો પકડી પાડેલ પણ મોટા માથાઓના આશિર્વાદથી ભીનું સંકેલાઈ જવા પામ્યું છે. પોલીસે માત્ર નિવેદનો લઈ મામલો રફેદફે કરી દીધેલ અને તેની પણ તપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે અને આ ચારેય ટ્રકો ગઈકાલે સ્થાનિક પીએસઆઈ યશવંતસિંહે કોવાયાના પાવર પ્લાન્ટમાં ભેળસેળયુક્ત કોલસો ભરીને આવેલા ૪ ટ્રકોને અલગથી રાખી દેવાયા હતા અને કાયદેસર ફરિયાદ નોંધાયા બાદ હિરાસતમાં લીધેલ આ મહા કોલસા કૌભાંડની યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટુ કોલસા કૌભાંડ બહાર આવે તેમ છે.