સૃષ્ટિના આરંભથી જ માણસ સગવડ પાછળ હરાયા ઢોરની માફક દોડતો રહે છે. બાળકના જન્મ પૂર્વે જન્મ પામનાર બાળકના માતા–પિતા તેમની સગવડ માટે તૈયારીઓ કરવા લાગી જાય છે. આવી સગવડની ઘણી મોટી યાદી તૈયાર થઈ શકે તેમ છે. પરંતુ આપણે તેની ધફલી કૂટવી નથી. તમે કહેશો કે તૈયારી તો કરવી જ પડે ને ! જો આપણા ઘરે થોડા દિવસ માટે પણ મહેમાન આવવાના છે, તેવા સમાચાર અગાઉથી મળી જાય તો આવનાર મહેમાનની સરભરા માટે આપણે કામે લાગી જતા હોઈએ છીએ. તો પછી આવનાર બાળક તો ઈશ્વરના પ્રતિનીધિ બની મહેમાન તરીકે પધારવાના હોય તો તેના સ્વાગત અને સંભાળનો પ્રબંધ આપણે કરવા તૈયારી તો કરવી જ પડે ને ? પણ તમને આ બધી “રામાયણ” નહિ સમજાય. સગવડ માણસની શોભા છે. તે માણસની ઓળખ પણ છે. પૈસો અને વૈભવ માણસના અસ્તિત્વનો માપ–દંડ માનવામાં આવે છે. તેથી ઘણી વખત આપણે ગજા ઉપરવટનું વૈતરુ કરતા હોઈએ છીએ. આપણે વટ પાડવાનું ચૂકતાં નથી.
“એક રૂપિયાના દસકા દસ, ખિસ્સામાં ખખડે ને પડે મારો વટ!
એક રૂપિયાના દસકા દસ”.
રૂપિયા જેવી સાવ નાની રકમમાં પણ આપણે વટ પાડવો છે. એ આજ–કાલ આપણી આદત બની ગઈ છે. સગવડની સોડ હૂંફાળી અને મોહક હોય છે. તેમાં ધબોરાયેલો માણસ થીજીને માયાનો પિંડ બની જાય છે. એમ થવાના લીધે તે સંસારભૂમિના માર્ગ પર અટવાઈ પડે છે. ભીંત ભૂલેલો માણસ મુક્તિનો માર્ગ શોધી શકતો નથી. પરિણામે તેને ચોરાશી લાખ યોનીમાં વિહાર કરવો પડે છે, ભટકવું પડે છે. સ્થૂળ ધનસંપત્તિરૂપી મળેલી સગવડ, માયારૂપી અરીસામાં દેખાતું પ્રતિબિંબ છે, આભાસી દ્રશ્ય છે. તેને પામવા માણસે આખું આયખું ગુમાવવું પડે છે. માણસને તેનું આયખું પણ ઓછું પડે છે.
“તારે નગર જવા શબ્દો મળતા નથી,મલક મારો જોઈ માધવ જડતો નથી.
સોનેરી સપના સાલા હટતા નથી,
ઉર મહીં વ્યાપેલા અંધારાં ઓસરતાં નથી”
જીવનમાં સમજની ઉષા ઊગી નીકળી છે, પણ અંધારા ઓસરવાનું નામ લેતા નથી. ઈશ્વરનું સાનિધ્ય ઝંખું છું. ઝંખના મુજબ કદમ ઊપાડી આગળ ધપી શકતો નથી. અંહકાર મારો પિછો છોડવાનું નામ લેતો નથી. કોઈ ઘસાતું બોલે તો અંતરના આંગણે દુ:ખનો દાવાનળ ભડકે બળે છે. અરમાનનો દરિયો ઉછાળા ભરી તોફાને ચડે છે. સમજણનું મીઠું જળ સંસારરૂપી સમુદ્રમાં ભળી ખારું ધુધવા થઈ જાય છે, એટલે કહેવાનું મન થાય
“તારે નગર જવા શબ્દો મળે,
ઉર મહીં ઉમંગ ભરે “ઝગમગ”ની આથમતી જ્યોત પ્રભુ પાવન કરે,
હૈયામાં પ્રભુ હામ ભરી, તું કરુણા કરે”.
મારો કહેવાનો ભાવ બહુ સ્પષ્ટ છે. અહંકાર આપણને મુક્તિના માર્ગે જતા રોકે છે. અહંકાર મોહમાંથી જન્મે છે. મોહ ઇચ્છા અને અપેક્ષાના લીધે થાય છે. ઇચ્છા અજ્ઞાનતાથી જન્મે છે. પછી તેમાં મમતા પેદા થવા લાગે છે. તેમાંથી મોહ ઉદભવે છે. મોહ જાગવાથી અહંકાર થાય છે. અહંકાર આપણા પતનનું કારણ બને છે. તમે કહેશો અહંકાર જો પતનનું કારણ હોય તો આપણે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. તમારી વાત સોળ આનાની હોવા છતાં તેનો અમલ કરવો સરળ નથી. હું નમ્રભાવે સ્વીકારું છું. અહંકાર મને છોડતો નથી. એવું જરા પણ નથી. હું અંહકારને છોડી શકતો નથી. તેનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે. સગવડની સવારી કરનાર એક પણ માયનો લાલ અહંકાર છોડી શકતો નથી. સગવડની સવારી કરવાની જેની આદત થઈ જાય છે, તેને પોતાની સુખ સગવડ જુટવાય જવાનો ભય હોય છે. મને પણ મારી સગવડ જુટવાય જવાનો ભય હોય તે સ્વભાવિક છે. તેથી હું અહંકારનો પિછો છોડી શક્ત્તો નથી. કોઈવાર કરેલા કાર્યની નોંધ ન લેવાય અથવા યોગ્ય પ્રશંસા ન થાય તો મન સંતાકૂકડીની રમત રમવા લાગી જાય છે. મન બેચેન બની અશાંતિનો ઉત્સવ મનાવવા લાગી જાય છે. ભીતરમાં કરેલા કાર્યનો ઢોલ રણકવા લાગે છે. સ્વ–પ્રશંસાના પડઘમ અને બેન્ડ બની રણકતાં રહે છે. ફૂંકાતા રણસિંગાં અંતરપ્રદેશમાં ઉમંગનું આંધણ મૂકી વણનોતર્યા મોહ અને ઈચ્છાઓના પરિવારને આમંત્રણ આપે છે. ઇચ્છા અને મોહ માણસને ભીત ભૂલવી અહંકારના અગ્નિમાં હોમિ દે છે. અહંકારરૂપી ભડકે બળતા અગ્નિમાં આપણું માનવજીવન બળી ને ખાખ થઈ જાય છે.
મહાત્મા ગાંધી દેશની સમસ્યાઓના ઉકેલ માટે, હંમેશા રેલવેના ત્રીજા વર્ગની મુસાફરી કરતા હતા. તેઓ ત્રીજા વર્ગની મુશ્કેલીઓનો એમ કરી અભ્યાસ કરવા ઇચ્છતા હતા. ગાંધીજી માનતા હતા: દેશસેવા કરનાર લોકોએ ઓછામાં ઓછી સગવડનો ઉપયોગ કરવો જોઈએ. તેમને શારીરિક મર્યાદાઓના કારણે જ્યારે પ્રથમ વર્ગની મુસાફરી કરવી પડતી હતી, ત્યારે તેમને અંદરથી ભારે દુ:ખની લાગણી થતી હતી. સેવાક્ષેત્રમાં ઠાઠ–માઠને કોઈ સ્થાન હોતું નથી. સગવડનો વૈભવ સેવાના ખેતરમાં આપણને પાકેલા પાકમાંથી તૈયાર થયેલી સ્વાદિષ્ટ વાનગીના સ્વાદથી વંચિત રાખે છે. મહાત્મા ગાંધી તેના શરૂઆતના સમયમાં બાહ્ય વ્યક્તિત્વને પોશે તેવા સુધારાઓથી પ્રભાવિત હતા. તેમણે પોશાક, બૂટ-મોજાં અને બીજા બાહ્યાચારને પોતાની જીવન શૈલી સાથે વણી લીધા હતા. પણ અનુભવના અંતે ગાંધીજીએ તેને તિલાંજલી આપી દીધી હતી. તેઓ સાદગીભર્યું જીવન જીવતા હતા. તેઓ જરૂરિયાત કરતા વધુ ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનું ટાળતા હતા. તેઓ પાણીનું એક બુંદ પણ બીનજરૂરી વેડફાઈ નહિ, તેની કાળજી રાખતા હતા. ગાંધીજી અન્યના કલ્યાણ માટે સમયનો સદ્ઉપયોગ કરવાનું ચૂકતા નહિ. મને તેમના જીવનમાંથી પ્રેરણાનો ધોધ પ્રાપ્ત થયો છે. મારા અંતરમાં પ્રેરણાના ધોધના પ્રવાહે ઊર્જાનો સ્ત્રોત વહેતો મૂક્યો છે. ઊર્જારૂપી મળેલી શક્તિ મારા કાર્યને ગતિ આપે છે. જોકે કોઈવાર હતાશ અને નિરાશ થઈ જવાય છે, પણ “બાપુ” ની પ્રેરણાના જ્ઞાનપ્રકાશ વડે હું મારો માર્ગ શોધી લેવામાં સફળ રહું છું. તેથી મારું ગાડું ગબડતું રહે છે. મારી સફળતામાં મારું કોઈ પરાક્રમ નથી. મારી સફળતાનો આધાર “બાપુ” ની પ્રેરણા છે.
સગવડની સવારી મને ગમતી નથી. વધુ પડતી સગવડ વ્યક્તિને નિર્બળ બનાવી દે છે. સગવડરૂપી સેવા વ્યક્તિને જરૂરિયાત કરતા જો વધુ મળે તો સેવા લેનાર વ્યક્તિની શક્તિ કુંઠિત બને છે. શાળાની મુલાકાતે આવતા મહાનુભાવો પ્રજ્ઞાચક્ષુ બાળકોને જુદી–જુદી ચીજ વસ્તુની ભેટ આપવા આવતા હોય છે. મદદ કરવાની તેમની ભાવનાને મારી સલામ છે. સંસ્થા તરફથી બાળકોને બધી જ સગવડ વિનામૂલ્યે આપવામાં આવે છે. છતાં કેટલાંક દાતાઓ બાળકોને કેટલીક ચીજવસ્તુ આપવાનો આગ્રહ રાખતા હોય છે. દાતાઓના આગ્રહને માન આપી અમો દાતાશ્રીની ઇચ્છા મુજબ બાળકોને તેમના વરદહસ્તે ચીજવસ્તુનું વિતરણ કરાવી આપીએ છીએ. કેટલાંક દાતાઓ, ગરમ સ્વેટર, ધાબળા, ચાદર ઓછાડ,જેવી અનેક ભેટ બાળકોને આપતા હોય છે. સંસ્થા તરફથી બાળકોને આ બધી ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. વળી રહેવા જમવાની સગવડ સંસ્થા પાગરણ સાથે આપતી હોવાથી ચાદર ઓછાડનો ઉપયોગ બાળકોને સંસ્થામાં કરવાની જરૂર પડતી નથી. તેમ છતાં ઘણાં દાતાઓ તે વાત સમજવા તૈયાર થતા નથી. બાળકો દાતાઓ તરફથી મળેલી ભેટસોગાદ ઘરે મૂકીને આવે છે. દાતાનું દાન બાળકના બદલે તેના કુટુંબને પહોંચી જાય છે. મારી દૄષ્ટિએ દાતાએ આવી વસ્તુનું દાન સંસ્થાને કરવું જોઈએ. કારણ કે સંસ્થા તમામ બાળકોને આ બધી વસ્તુ વિનામૂલ્યે છાત્રાલય અને શાળામાં વાપરવા માટે આપે છે. શાળામાંથી બાળક ભણીને જતું રહેશે, ત્યારે તે વસ્તુનો ઉપયોગ આવનાર બાળક કરી શકશે. દાતા બાળકને સિધિ ભેટ આપી પોતાની લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરતા નથી. પરિણામે તેનો ફાયદો આવા બાળકોના પરિવારના સભ્યોને થાય છે. દાતાશ્રી પુણ્ય કમાવા ભલે આમ કરતા હોય, પણ એમ કરવાથી દાતાનો પુણ્ય કમાવવાનો હેતુ એળે જાય છે. પુણ્ય કમાવા તે વસ્તુ અર્થાત ભેટસોગાદ સંસ્થાને પણ આપી શકે છે. સંસ્થા મળેલી દરેક વસ્તુ બાળકના ઉત્થાન માટે જ વાપરવાની છે. તેથી બાળકોને દાન કરવાનો આગ્રહ રાખવાનો કોઈ અર્થ રહેતો નથી. હું દરેક દાતાઓની લાગણીને વંદન કરું છું. અંધ વ્યક્તિને આગળ વધારવા સહાય કરવાની સૌ કોઈની નૈતિક જવાબદારી છે, પરંતુ મદદ કરવાનો હેતુ તેને પગભર કરવાનો હોવો જોઈએ, આર્થિક સહાય કરવાનો નહિ. કોઈ પણ અંધ વ્યક્તિ પ્રત્યે સાહનુભૂતિ દાખવવાથી તે પોતાના પગ પર ઊભો નહિ રહી શકે. તેને પગભર કરવા ઉત્તમ તાલીમ અને શિક્ષણની જરૂરી સેવાઓ પૂરી પાડવી પડશે. આપણી સરકાર સંત સુરદાસ યોજના નીચે થોડી ઘણી આર્થિક સહાય કરી પોતાની જવાબદારી પૂર્ણ કરવાનો સંતોષ ભલે અનુભવતી હોય. પરંતુ સરકારે અંધજનોને સરળતાથી રોજગારી મળી રહે તેવા પગલાં ભરવા જોઈએ. સગવડની સવારી પ્રજ્ઞાપંથીઓને પુનર્વસનના મુકામ સુધી લઈ જઈ શકશે નહિ.
મહાત્મા ગાંધી શ્રમદાન કરતા અને કરાવતા હતા. આશ્રમમાં રહેતા દરેક અંતેવાસીઓને પોતાનું કામ જાતે કરવાના નિયમનું પાલન કરાવતા હતા. મહેનતથી મળેલું ધન આપણને ઉન્નત બનાવે છે, પણ દયાથી મળેલું ધન આપણને ભિખારી બનાવે છે.
મને મારી કાવ્ય પંક્તિઓ યાદ આવે:
“માગવી નથી ભીખ, કરવી નથી જીદ,
કાશ કરે તું કૄપા,
સુંદર ગાવું ગીત.
શબ્દ નથી તો શું થયું? હ્રદય હજુ ધડકે છે,
આંગણ વાદળ વરસી ઇશ,
નદી–નાળા છલકે છે”.
આંખોની જ્યોત ભલે ગુમાવી, હિંમતની તેજસ્વિતા પ્રભુ તેં આપી છે, માટે ભીખ માગવાનું હું ઈચ્છતો નથી. એટલે કે દયા કે સાહભનુભૂતિથી મળેલું ધન મારા ખપનું નથી. પ્રભુ તું અમોને આવું ધન કદાપિ આપીશ નહિ. કર્મ કરવા તાકાત આપજે. સગવડ ભલે ઇશ્વર તું મને આપે. હું તેને મારા શીર પર ચડાવું છું. હે પરમકૃપાળુ પરમેશ્વર, તું મને કદી તેનો ગુલામ બનાવીશ નહિ. ગુલામ માણસનું જીવન એળે જાય છે. તેથી તું ઇચ્છતો હશે, તો પણ મારું કલ્યાણ થઈ શકશે નહિ. પંક્તિના શબ્દો પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના જીવનમાં રંગ લાવે તેવી હું પ્રાર્થના કરુ છું.
અંધજનોને રોજગારી મળી રહે તેવી જાગૄતિ ઘણી સંસ્થાઓમાં આવવા લાગી છે. તેને હું દિલથી આવકારું છું. સંચાલકોમાં જે જાગૃતિ આવી છે. તે તેના લાભાર્થી સુધી લઈ જવી હોય તો પાઠ્યપુસ્તકના શિક્ષણની સાથે ખાસ શાળાઓમાં શિક્ષણ મેળવતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને જીવનલક્ષી શિક્ષણ પણ આપવું પડશે. પાઠ્યક્રમની અધૂરી કેળવણી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓના ઉકેલમાં બાધક બનતી નથી. પણ જીવનલક્ષી કેળવણીના અભાવે વ્યક્તિ જીવનમાં આવતી સમસ્યાઓ સામે લડી શકતો નથી. પરિણામે તે જીવનમાં હારી જાય છે. અન્ય આધારિત જીવન જીવવા તે મજબૂર બને છે. સખત મહેનત કરી જે શિક્ષણ મેળવે છે, તે પોતાનું જ નહિ, પરંતુ તેમના સમગ્ર પરિવારનું પણ ભલું કરે છે. સગવડની સવારી સંભાળપૂર્વક કરવા જેવી છે. વિદ્યાકાળમાં અગવડ ભોગવતા જે શીખી લે છે, તેને સગવડની સવારી કરવાની તક અવશ્ય મળે છે. ઝુંપડપટ્ટીમાં રહેતો બાળક પણ બોર્ડમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરતો હોય છે. વર્તમાનપત્રોમાં આપણને આવા સમાચાર અવારનવાર જાણવા મળતા હોય છે. ટૂંકમાં, વિદ્યા પ્રાપ્ત કરવા માટે સગવડ કે ધનસંપત્તિની જરૂર પડતી નથી. વિદ્યા સખત પરિશ્રમ વડે મળે છે. બધા જ ધનમાં વિદ્યાને અવિચળ ધન કહેવામાં આવ્યું છે. કારણ કે તે વાપરવાથી ખાલી થતું નથી. વાપરવાથી વધે છે. તેની ચોર ચોરી કરી શકતો નથી. તેને સાથે રાખવાથી ભય પેદા થતો નથી. તેને સાચવવા માટે ખજાનાની જરૂર પડતી નથી. જેમ–જેમ તમે તેનો ઉપયોગ કરવા લાગો છો. તેમ–તેમ તેમાં વૃદ્ધિ થવા લાગે છે. મૂલ્યવાન ખજાનો પામવા સગવડની સવારી સંભાળીને કરવાનું રાખશો તો વિદ્યારૂપી ધનના માલિક બનશો. વિદ્યા વિનયથી શોભે છે. વિનય વિનાની વિદ્યા ધાર વિનાની તલવાર બરાબર છે. જેમ ધાર વિનાની તલવાર,યુદ્ધના મેદાનમાં કામ લાગતી નથી. તેમ વિનય વિનાની વિદ્યા ખરા સમયે ઉપયોગમાં આવતી નથી. સગવડની સવારી અવિવેકને મહેમાન તરીકે નોતરે છે. તેથી સગવડની સવારી સભાનતા પૂર્વક કરવી જોઈએ.
“સમજના જગને જે પામે,સુખે તરે સંસાર;
ઇન્દ્રિયોને જે જીતે ,મહાવીર થઈ પૂજાય”.
લેખક:- લાભુભાઈ ટી. સોનાણી