ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલા પૂજા પ્રસુતિગૃહમાં લાયકાત ન હોવા છતા ગેરકાયદે ડો.રાજેશ્વરી પાઠક દ્વારા સોનોગ્રાફી કરાતી હોવાની બાતમીના આધારે જિલ્લા આરોગ્ય અધિકારી પટેલની સુચનાથી પીએનડીટી ટીમ અને તાલુકા હેલ્થ ઓફિસર સિહોર દ્વારા પૂજા નર્સિંગ હોમમાં સ્ટીંગ ઓપરેશન કરતા ડો.રાજેશ્વરી પાઠક રંગેહાથ ઝડપાઈ ગયા હતા. તેનું સોનોગ્રાફી મશીન સીલ કરવા ઉપરાંત એક્ટના ભંગ બદલ કોર્ટ કાર્યવાહી કરવામાં આવેલ.
જીલ્લા પંચાયત-ભાવનગર જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલ ની સુચના અન્વયે સબ ડિસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને તાલુકા હેલ્થ ઓફિસર શિહોર ડો.પી.કે.સિંહની ટીમ ધ્વારા તા.૨૬/૦૩/૨૦૧૮ના રોજ ડીકોય સગર્ભાની મદદથી પી.સી એન્ડ પી.એન.ડી.ટી એકટ અન્વયે પૂજા પ્રસુતિગૃહ અને નર્સિગ હોમ, દાદાની વાવ સામે, ગાયત્રીનગર, શિહોર ખાતે સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.
આ સ્ટીંગ ઓપરેશનમાં પૂજા પ્રસુતિગૃહ અને નર્સિગ હોમ, શિહોર ખાતે ડો.રાજેશ્વરીબેન પાઠક-બીએએમએસ યોગ્ય લાયકાત ધરાવતા ન હોવા છતાં તેઓ ધ્વારા ડીકોય સગર્ભાની સોનોગ્રાફી કરતા ઝડપાયેલ. આમ, આ સફળ સ્ટીંગ ઓપરેશનના અંતે ડો. પી.કે.સિંહ ધ્વારા પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.એકટના ભંગ બદલ નામદાર કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ સોનોગ્રાફી મશીન સ્થળ પર સીલ કરવામાં આવેલ છે. જે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી-પીએનડીટી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જણાવાયું છે. આ બનાવથી સિહોરમાં ચક્ચાર મચી જવા પામી છે.