આજ બનેલી એક મહત્ત્વપૂર્ણ ગતિવિધિમાં ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવેલી કોઇપણ બોર્ડની શાળામાં ધોરણ ૧થી ૮ સુધીમાં ગુજરાતી શીખવવી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વિધેયક શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.ગુજરાતી ભાષા સંદર્ભે વારંવાર રજૂ થયેલી ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષામાં નબળાં પરિણામોને લઇને સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે ગુજરાતી ભાષાના સંરક્ષણ-સંવર્ધન માટે સરકાર ગંભીરતાથી વિચારે અને પગલાં લે. ત્યારે આજે રજૂ થયેલું વિધેયક આગામી સમયમાં ઘણું ઉપયોગી બનશે. આ સમાચાર બહાર આવતાં ગુજરાતી શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ તથા સીબીએસઇ સહિતના અનેક બોર્ડના અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ભણતાં ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા સુદ્રઢ બનાવી શકે તેવા હેતુથી આ બિલ મૂકવામાં આવ્યું છે. ધોરણ ૧ અને ૨માં ગુજરાતીનું શિક્ષણ પરિચયાત્મક ધોરણે આપવામાં આવશે. ગુજરાતી ભાષા જે રાજ્યના સર્જનમાં કારણભૂત બની હતી તેના માટે ફરી એકવાર શાસકીય નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જૂન ૨૦૧૮થી જ અમલી ધોરણ ૧થી ૮માં ગુજરાતી શીખવવી ફરજિયાત બનાવવા ઇચ્છતી સરકારે તે પ્રમાણે શિક્ષકોની ભરતીની મંજૂરીની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.