પાટણ જિલ્લાના ખેલાડીઓ આસામ ખાતે યોજાયેલ ત્રીજા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦માં ખોખો, ટેનિસ અને યોગ જેવી રમતોમાં ભાગ લઈ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પાટણ જિલ્લાનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. પાટણ જિલ્લાની સાંપ્રા માધ્યમિક શાળાની મહિલા ખેલાડીઓ ચંદ્રિકાબેન રુપાજી ઠાકોર, શીતલબેન કલાજી ઠાકોર તેમજ સજુબેન મંગાજી ઠાકોર આ ત્રણેય ખેલાડીઓ કે જેમણે ગુવાહાટી ખાતે યોજાયેલ ઇન્ડિયા યુથ ગેમ્સ ૨૦૨૦માં ખોખો રમતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉપરાંત શાળાના પ્રાપ્તિબેન દિનેશભાઈ સોની વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી, માંજલપુર ખાતે ટેનીસ રમતમાં તૃતીય સ્થાન મેળવી તેમણે પણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે તથા ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ઓડીસા ખાતે ભાગ લેવાના છે. જે સમગ્ર જિલ્લા માટે ખુબ ગર્વની બાબત છે. જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં કોચ તરીકે ફરજ બજાવતા દિપક સુથાર જે ચાલુ વર્ષે યોગ ફેડરેશન દ્વારા યોજાતી રમતોમાં મધ્યપ્રદેશ (ભોપાલ) ખાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવેલ છે અને ઉત્તર પ્રદેશ ખાતે પણ યોગ રમતમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા રમત-ગમત ક્ષેત્રે પાટણ જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓ અને સીનીયર કોચશ્રી આનંદ નહેરા, ખોખો કોચ જીમીત બી. પટેલ તથા ઠાકોર વસંતબેન અને ઠાકોર કેશુભા ટ્રેનરોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રીએ પાટણ જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે વધુ અને વધુ પ્રગતિ અને ગૌરવ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.