ભાવનગરના રાજપરા ખાતેના માં ખોડીયાર મંદિર પરિસરમાં ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર દ્વારા શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૧૯-૨૦ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંત જેવા કે અમદાવાદ, છોટાઉદેપુર, પોરબંદર, સુરત, વડોદરા ભાવનગર વગેરે સ્થળોએથી આવેલા કલા મંડળોએ આદિવાસી રાઠવા નૃત્ય, મણિયારો રાસ, હુડો રાસ, મિશ્ર રાસ, મરાઠી નૃત્ય, દેવી સ્તુતિ, તલવાર રાસ, પ્રાચીન ગરબા, ખળાવાડ લોક નૃત્ય, ટીપ્પણી હેલ્લારો તેમજ લોક ડાયરો વગેરે જેવી એક એકથી ચડિયાતી ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી.જેને ઉપસ્થિત સૌ કોઇએ મન ભરીને માણી હતી.
અમદાવાદના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અને ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર ભરત બારૈયા અને અક્ષય પટેલ દ્વારા માતાજીની આરતી અને ડાકલા, આદિવાસી લોક કલા મંડળ છોટાઉદેપુર દ્વારા આદિવાસી રાઠવા નૃત્ય, મહેર રાસ મંડળ પોરબંદર દ્વારા મણિયારો રાસ, સંત શ્રદ્ધા એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા મિશ્ર રાસ, નૂપુર ગ્રુપ વડોદરા દ્વારા રાજસ્થાની ઘુમ્મર રાસ, સિલ્વર બેલ્સ પબ્લિક સ્કૂલ ભાવનગર દ્વારા મરાઠી નૃત્ય, કલાર્પણ ગ્રૂપ ભાવનગર દ્વારા દેવી સ્તુતિ, નાગધણીબા પ્રાથમિક શાળા દ્વારા ગરબા, સપ્ત ધ્વની સંગીત કલાવૃંદ સુરત દ્વારા લોક નૃત્યની ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરાઇ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજપરા ખોડલધામ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે જ્યાં સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં લોકો આવી ઝુકાવે છે. ધારાસભ્ય એ આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને યાદ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રીશ્રી છેલ્લા ૨૭ વર્ષથી દર પૂનમે અહીં માતાજીનાં દર્શને આવે છે. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના તમામ તીર્થસ્થાનોનું મહત્વ સમજી આ તીર્થ સ્થાનોમાં અનેક પ્રકારની ગ્રાન્ટ ની જોગવાઈઓ કરી વિવિધ પ્રકારની સુવિધાઓ અને દર્શનાર્થીઓ માટે સવલતો ઊભી કરી સર્વાંગી વિકાસ કરી રહી છે.
કાર્યક્રમની શાબ્દિક આવકાર વિધી પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ તેમજ આભારવિધી યુવા વિકાસ અધિકારી ડો.અરૂણ ભલાણી દ્વારા કરવામા આવી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, સામાજીક આગેવાન ચીથરભાઈ પરમાર, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, શિહોર નગરપાલિકાના પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, પ્રાંત અધિકારી રાજેશભાઈ ચૌહાણ, યુથ બોર્ડ અધિકારી નયનભાઈ થોરાટ, મામલતદાર સર્વે સિહોર, વલ્લભીપુર, ઉમરાળા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં માતાજીના ભક્તો તેમજ દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.