તળાજા-મહુવા રોડ પર સાંખડાસર નર્સરીની પાસે બપોરના સમયે આયશર ટેમપો અને સ્કુટર વચ્ચે કડાકાભેર અકસ્માત સર્જાતા ક્ષત્રિય યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ તળાજાના સાંખડાસર-૧ ખાતે રહેતા કનકસિંહ પરબતસિંહ સરવૈયા પોતાનું સ્કુટર નં. જી.જે.૦૪ બી.ડી. પ૧૦૪ લઈ ગામની બહાર રોડ પર આવતા હતા તે વેળાએ નર્સરી નજીક પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ આયશર ટેમપો નં. જી.જે.૧ ૯વી ર૦૭૬ના ચાલકે ધડાકાભેર સ્કુટર સાથે અકસ્માત કરતા ચાલક કનકસિંહ સરવૈયાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજવા પામ્યું હતું. બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ જયપાલસિંહ સરવૈયાએ તળાજા પોલીસ મથકમાં આયશર ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. સીસોદીયાએ હાથ ધરી છે.