લોકભારતી સણોસરા ખાતે તા.૨૦ થી તા.૨૨ સુધી ભારતીય અંતરીક્ષ સંશોધન કેન્દ્ર ઇસરો દ્વારા મહાન વૈજ્ઞાનિક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમા ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષની અટપટી અને અઘરી માહિતી ખુબ જ સહજ અને સરળ રીતે રજૂ કરવામા આવી છે જેમાં ભુલકાઓ મોજ, મસ્તી સાથે હળવા અંદાજમા માણી અંતરિક્ષ વિશેની રસપ્રદ વિગતોથી માહિતગાર બની રહ્યા છે. સંસ્થાના વડા અરુણભાઈ દવે સાથે નિયામક હસમુખભાઈ દેવમોરારીના સંકલન સાથે વિક્રમ સારાભાઈ અંતરીક્ષ પ્રદર્શનમાં ઇસરોની સંશોધન વિગતો રજૂ કરવામાં આવી છે. લોકભારતી લોક વિજ્ઞાન કેન્દ્ર અને લોકભારતી અધ્યાપન મંદિરના આયોજન વ્યવસ્થા સાથે આ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓએ અહીં વિવિધ નમૂનાઓ તેમજ નકશાઓ દ્વારા અંતરીક્ષ ની વિગતો મેળવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી વ્યાસ પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.
આ વિજ્ઞાન પ્રદર્શનમાં ઇસરોના વૈજ્ઞાનિક દિપકભાઇ પંડયા, સતિષભાઈ રાવ તથા ભગીરથભાઈ માંકડ દ્વારા માર્ગદર્શન આપવામાં આવનાર છે. વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવતા વિદ્યાર્થીઓ દ્વારા અહીં પ્રદર્શન સાથે ચિત્રપટ અને પ્રશ્નોત્તરીમાં ઉત્સાહભેર પણ ભાગ લઈ સંસ્થા દર્શનનો પણ લાભ મેળવી રહ્યા છે.