ગત વર્ષ પાટણ શહેરમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા જેને ધ્યાને લઈ આગામી સમયમાં ડેન્ગ્યુનો રોગચાળો ન ફેલાય તેની જનજાગૃતિ અર્થે પાટણ બ્લોક હેલ્થ ઓફીસ ખાતે ડેન્ગ્યુ અંગેનો વર્કશોપ યોજવામાં આવ્યો. આ વર્કશોપમાં બ્લોક હેલ્થ ઓફીસરશ્રી ડૉ. ગૌરાંગ પરમાર તથા જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી સનત જોષી દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ તથા ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો તથા ટી.બી. અંગે વિસ્તૃત જાણકારી, તેની અટકાયત માટેના પગલા તેમજ નગરપાલિકા દ્વારા કરવાની થતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ડૉ.પી.આઇ.પટેલ દ્વારા ટીબી અંગેની તથા ડૉ.આર.ટી.પટેલ દ્વારા ક્લોરીનેશન કરવા તથા કોરોના વાયરસ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ, ચીફ ઓફીસરશ્રી પાંચાભાઇ માળી, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, શહેરના કાર્યરત બિલ્ડર્સ, વિવિધ સોસાયટીઝના પ્રમુખશ્રીઓ તેમજ આસપાસના ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. આરોગ્ય તંત્ર દ્વારા ઉપસ્થિત સૌને તેઓના વિસ્તારમાં રોગચાળા અટકાયતની કામગીરી બાબતે વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરી અટકાયતી પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.