ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ધોરણ ૧૦માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છેલ્લા ૨૧ વર્ષથી ઝળહળતો દેખાવ કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની એકમાત્ર એવી પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ આપતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનું ધોરણ ૧૦ નું પરિણામ ૨૧ વર્ષથી અવિરત રીતે ૧૦૦% આવી રહ્યું છે.
આજરોજ તારીખ ૦૫/૦૩/૨૦૨૦ થી ધોરણ ૧૦ની શરુ થયેલ પરીક્ષામાં ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ૧૯ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપવા જતા દ્રશ્યમાન થાય છે. આ વિદ્યાર્થીઓના લહ્યા તરીકે ફાતિમા કોન્વેન્ટનાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો સેવા આપશે. ફાતિમા કોન્વેન્ટ ના શિક્ષિકા શ્રી કીર્તિદાબેન મહેતા, અંધ શાળાનાં ધોરણ ૧૦ નાં વર્ગ શિક્ષિકા શ્રી નીતાબેન રૈયાનાં માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્દ્ર પર રવાના કરવામાં આવ્યા હતા. આ સમયે ખાસ ઉપસ્થિત રહી શ્રી લાભુભાઈ ટી.સોનાણી (જનરલ સેક્રેટરી), શ્રી ઘનશ્યામભાઈ બારૈયા(આચાર્યશ્રી) – શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.