શા માટે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે? જિંદગીનું એક વર્ષ ગુમાવવાની ઉજવણી શા માટે કરવામાં આવતી હશે? પ્રશ્ન અંતરને કોરી ખાય છે. મોંઘો માનવ દેહ છોડવાની મેહતલની મંજિલનું વટાવેલું એક પગથિયું એટલેકે જિંદગીનું વિતેલું એક વર્ષ. મળેલા આયખાનું એક વર્ષ ઓછું થયું હોવા છતાં આપણે દર વર્ષે આવતા જન્મ દિવસની ઉજવણી કરવા આટલા ઉત્સુક કેમ હોઈએ છીએ! ભિતરની ભૂગોળ તપાસવા મારો માયલો હંમેશા ઉતાવળો બનતો હોય છે. પૃથ્વીની સપાટી જેવી ભિતરની ભૂગોળ સપાટ માર્ગો ધરાવતી નથી. તેથી તેની યાત્રા ઘણી કપરી અને દુર્લભ હોય છે. જોકે દરેક વ્યક્તિ તેના માટે સમર્થ હોતો નથી. ઢોળાવ વાળા માર્ગ પર યાત્રા કરતા પહેલા આપણે કેટલિક સાવચેતી રાખતા હોઈએ છીએ. જે વાહનમાં આપણે યાત્રા કરવા ઇચ્છતા હોઈએ છીએ તે વાહનની સર્વિસ કરાવી, નિકળવાનું પસંદ કરીએ છીએ. કારણકે સર્વિસ થયેલું વાહન દૂર્ગમ માર્ગ પર પણ અટકી પડતું નથી. એટલે કે સર્વિસ થયેલું વાહન, આપણને યાત્રા માર્ગમાં ગમેતેવા અંતરાયો હોવા છતાં ગંતવ્ય સ્થળ સુધી લઈ જાય છે. ભિતરની યાત્રા વિચાર રૂપી વાહન દ્વારા કરી શકાય છે. ભિતરની યાત્રાએ નિકળવા ઇચ્છતા મુસાફરે વિચાર રૂપી વાહનની માવજત કરવી પડે છે. તે પરિપક્વ બને પછી ભિતરની ભૂગોળ પર પોતાની યાત્રાનો આરંભ કરવો જોઈએ. પરીપક્વ વિચાર ભિતરની દુનિયાના રહસ્યો ખોલી આપે છે. વિચાર રૂપી વાહન રહસ્યો ઉકેલવાનો માર્ગ શોધી કાઢે છે. વિચાર રૂપી વાહન ઉત્સાહની ઊર્જા વડે અંતરપ્રદેશમાં ગતિ કરવા લાગે છે. વણખેડાંયેલાં વિસ્તારોની યાત્રા કરી અનેક રહસ્યમય સત્યો ખોળી કાઢે છે.
જન્મ દિવસની ઉજવણી શા માટે: ગર્ભમાં ઉંધા માથે નર્કમાં વિકાસ પામતો જીવ પ્રભુને કહે છે:
“હે ઇશ્વર, તું દયાળુ છો, આ નર્કમાંથી મને ઉગારી લે. હું જિંદગીભર તારો આભાર માનિશ. સેવા પુજા અને તારી સ્તુતિ કરિશ, કર્મ બજાવી તારી જીવ સૃષ્ટિનું રક્ષણ કરિશ.”
પરમ કૃપાળુ પરમાત્માને શિશ નમાવી ભિતરની ભૂગોળ જાણવા પ્રભુ પ્રાથું છું.
“સર્જનહારી કલ્યાણકારી, દર્શન દ્યો પ્રભુ વારી–વારી;
મૃત્યુ–લોકની માયા ન્યારી,
લાગે અમને તે અતિ પ્યારી,
સર્જનહારી કલ્યાણકારી.
શી શણગારી સૃષ્ટિ તારી,
તેના આભૂષણ નર ને નારી;
અકળગતિ પ્રભુ તારી ન્યારી,
સમજમાં વિભુ નાવે મારી.
સર્જનહારી કલ્યાણકારી.
ભક્તિભાવને દિલમાં ભરજો,
મન–મંદિરીએ મુજને મળજો;
“ઝગમગ” ને પ્રભુ માનવ કરજો,
ભક્તિ ભજતાં લાગે પ્યારી.
સર્જનહારી કલ્યાણકારી”
પ્રાર્થનાના શબ્દો પ્રકાશ બની, ભીતરની ભૂગોળનો માર્ગ ચિંધવા મારા અંતરમાં જાગેલા, પ્રશ્નનો ઉત્તર આપતા હોય તેમ લાગે છે. અંડકોષ અને શુક્રકોષના મિલનથી પિંડ બીજનું નિર્માણ થાય છે. જેમ–જેમ સમય પસાર થાય છે. તેમ–તેમ તેનો વિકાસ થવા લાગે છે. ચાર માંસના અંતે હાથ, પગ અને શરીરના બીજા ભાગો તૈયાર થઈ જાય છે. સાત માંસમાં તો શરીરના તમામ અંગો, ઉપાંગો, મગજ અને બુદ્ધિનો વિકાસ પુર્ણપણે થઈ જાય છે. ત્યારબાદનો સમય માતાના ગર્ભમાં પસાર કરવો બાળક માટે ઘણો કઠિન હોય છે. આ અવસ્થામાં જીવને તેના પાછલા સો જન્મોની સ્મૃતિ થાય છે. અસત્યો આચર્યા હોય તે યાદ આવતા હોય છે. પાપ–પુણ્યના ત્રાજવે જીવ તુલના કરવા લાગે છે. ઇશ્વર કૃપાથી લેખા–જોખા કરી શકે છે. જીવ માતાના ઉદરમાંથી મુક્ત થવા ઇશ્વરને પ્રાર્થના કરે છે. અંધારી કોટડીમાં ગોંધાયેલો જીવ આકૂળવ્યાકૂળ હોય છે. માતા તિખો તમતમતો ખોરાખ લે તો ઉદરમાં ઉછરી રહેલ બાળકને પિડા સહન કરવી પડે છે. ઉદરના જીવો ઉછેર પામતા બાળકને ચટકા ભરી દુ:ખી કરી દે છે. ઉદરના ગંધાતા પ્રવાહીમાં રહેલા સંખ્યાબંધ જીવો પુર્વ જન્મનો બદલો લેવા આવી પહોંચે છે. ત્યારે જીવને બ્રમ્હજ્ઞાન થાય છે. ડાયોડમરો થયેલો જીવ જ્ઞાન, ભક્તિ અથવા નિષ્કામભાવે કર્મ બજાવાનું વચન આપે છે. ઇન્દ્રિયોને વશમાં રાખી સૃષ્ટિના કલ્યાણ માટે ભોગોનો ત્યાગ કરી કર્મ બજાવા ખાતરી આપે છે. નેવુથી પંચાણુ દિવસની આ અવસ્થા હોય છે. જાગૃત બની જીવ માતાના ઉદરમાં જેટલો સમય વિતાવી શકે છે. તેટલો પરમેશ્વરની ક્ષમા યાચના કરી પશ્વાતાપ કરતો હોય છે. પરંતુ જન્મ થતાં જ જીવ તેની સ્મૃતિ ગુમાવે છે. ધીરે–ધીરે માયાના ફંદમાં પડે છે. માતાના ઉદરમાં ભોગવેલું દુ:ખ ભૂલાઈ જાય છે. મોહમાયાનો દાસ બની જીવ મળેલું માનવ જીવન ગુમાવે છે. પરિણામે તેને ફરી લખચોરાશી યોનીનો ફોગટ ફેરો મારવો પડે છે. નાવિક સમુદ્રમાં ઉતારુ વગર પોતાની નાવ ચલાવે તો ફેરો ફોગટ જાય છે. તેમ જીવ પણ સંસારસાગરમાં જુદી–જુદી યોનીમાં ભટકતો રહે છે. જીવની અધોગતિ અટકાવવા ઇશ્વર મંજિલ રૂપી જન્મ દિવસની સોગાદ લાવે છે. આમ, કરી તે માતાના ઉદરમાં આપેલું વચન યાદ કરાવે છે. જેના કારણે દર વર્ષે જન્મ દિવસની ઉજવણી કરવાની આપણને પ્રેરણા થતી હોય છે. આજ–કાલ જીવન સાથે વણાઈ ગયેલી પ્રથા કોઈ ચોક્કસ તાર્કિક કારણો સાથે અમલમાં આવી હોવાનું હું માનુ છું. ભૂલા પડી ભટકતા માનવદેહ ધરાવતા આત્માને ત્રણસોચોસઠ દિવસની મેહતલ પુરી થતા જ પુન: યાદ આપવા, જન્મ દિવસ ઉજવવામાં આવે છે.
માતાના ઉદરમાં થયેલો ઇશ્વર સાથેનો સંવાદ ભાવ વિના જાણી શકાતો નથી. ઉદરમાં સો જન્મોની સ્મૃતિ ભાવ રૂપી સાધન વડે થાય છે. જીવાત્મા જ્યારે મુંજાય છે, દુ:ખી થાય છે. ત્યારે ઇશ્વર પ્રત્યે તેના દિલમાં ભાવ જાગે છે. ઇશ્વર નાના મોટા દુ:ખ સબંધનો સેતુ જાળવવા માટે મોકલતો હોય છે. પરમાત્માએ મને લગભગ સાડા ત્રણ વર્ષ સુધી, જગતને ચર્મચક્ષુ વડે નિહાળવાની શક્તિ આપી હતી. પરંતુ તેને પાછી લઈ લેવાની ઘટના કોઈ અકસ્માત નહોતી. ખરા અર્થમાં આત્મકલ્યાણ માટેનો એ ચમત્કાર હતો. જેસલ જાડેજાને એકાએક તોરલ તરફ અનુરાગ જાગ્યો તે પણ એક ચમત્કાર હતો. પાપી જીવને ઉગારવા ઇશ્વરે કૃપા કરી તોરલ જેવી પવિત્ર સ્ત્રીનો સંગ કરાવ્યો હશે. તેનું પાપ ધોવા તોરલનું સત્વ અર્પ્યું હશે. જેના કારણે જેસલ જાડેજા પાપી મટી પિર થઈ પુજાય છે. હું મારા ચોપનમાં જન્મ દિવસે આપ સૌ સમક્ષ નમ્રતાપુર્વક સ્વિકારું છું. જો ભગવાને મારી આંખોનું તેજ જૂટવી લીધું ન હોત તો હું પૈસાનો દાસ બની ધન કમાવવા વલ્ખા મારતો હોત, એનકેન રીતે પૈસો એકઠો કરવા મથતો હોત. આંખોની દૃષ્ટિ મને વધુ પાયમાલ કરી સ્વાર્થના માર્ગે દોરી ગઈ હોત. વાચક મિત્રો મારો માયલો કબૂલે છે. ત્રેપન વર્ષ પ્રભુ એળે ગયા છે. માતાના ઉદરમાં આપેલું વચન નિભાવ્યુ નથી. હે પ્રભુ: ચોપનમાં જન્મ દિવસની ભેટ સ્વરૂપે કર્મ કરવા શક્તિ તેમજ અનુકંપા આપજે, સમજ રૂપી જ્ઞાન આપજે. દુ:ખોની ભઠ્ઠીમાં તપાવી આત્માને ચોટેલી અશુદ્ધિઓ બાળીને ખાખ કરી દેજે. હે પરમ શક્તિના ભંડાર મારા આત્માની અશુદ્ધિઓનું દહન કરી ઉત્તમ કર્મ કરવા મોકો આપજે. કાયર બની હું મુક્તિ નથી માગતો. પરંતુ સંસારભૂમિના તક્તા પર મારો દિગ્દર્શક નિર્દેશ કરે, તેવો અભિનય બજાવવા ઉત્સુક છું. કારણકે હું જાણું છું રંગમંચના તક્તા પર અભિનય કરતા જે થાકતો નથી. તે કલાકાર દિગ્દર્શકના દિલમાં રાજ કરતો હોય છે. તેનાથી ઉલ્ટુ રંગમંચ પર રજુ થનાર કૃતિમાંથી કોઈ બાના નીચે મુક્તિ માગતો કલાકાર અપ્રિય બની જતો હોય છે. આ સંસાર પણ એક રંગમંચ છે તેથી તેમાંથી મુક્તિ માગી ઇશ્વરને અપ્રિય બનવાનું જોખમ ઉઠાવવા ઇચ્છતો નથી. કર્મ બજાવી ઇશ્વરની સૃષ્ટિ સજાવવા ઇચ્છું છું. એક નાનકડું કિટાણું કે પતંગિયું પરાગરજનું વહન કરી વનસ્પતિ જગતને વિસ્તારતું હોય તો પછી ઇશ્વરે જેના પર સૌથી વધુ કૃપા કરી છે. તે મનુષ્યની સૃષ્ટિના વિકાસ અને વિસ્તાર માટે કેટલી મોટી જવાબદારી બનતી હશે? તે વિચારવાનું રહે છે. ઘરમાં પણ આળસુ સભ્ય બધાની નજરમાંથી ઉતરી જાય છે. જન્મ મરણના ફેરામાંથી મુક્તિ માગતો જીવ ઇશ્વરને શા માટે નારાજ કરતો હશે? આપણા ભક્ત કવિ નરસી મહેતાએ તો ગાયું છે ને?
“હરિનો જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર રે”
જે ઇશ્વરની ભક્તિ કરવા માગે છે. તેને મુક્તિ માગવાની શી જરુર છે? સંસારભૂમિ પર ઇશ્વર કોઈપણ પાત્ર બજાવવા આપણને મોકલે, તે હસ્તા મોંએ સ્વિકારી લેવું જોઈએ. કારણકે ગિતાના મતે સૃષ્ટિપતી બ્રમ્હાનો દિવસ થતા જ સૃષ્ટિનો ઉદય થાય છે. સૃષ્ટિનો ઉદય થતા જ દરેક જીવોએ પોતપોતાનું કર્મ બજાવવા જન્મ ધારણ કરવો પડે છે. એટલે કે દરેક જીવ આ સમય દરમિયાન જુદી–જુદી યોનીમાં અવતાર ધારણ કરી ભ્રમણ કરતો હોય છે. કોઈ જીવ અવ્યક્ત રહી શકતો નથી. પરમ ધામમાં ગયેલો જીવ પરમ શક્તિમાં ભળી જાય છે. સૃષ્ટિના નિર્વાહ માટે પરમ શક્તિએ પણ કાર્યરત રહેવું પડે છે. તેથી મુક્તિની ભ્રમણા અસ્થાને છે, તેમાં પડવા જેવું નથી. એટલે જ કદાચ ભક્ત કવિ નરસી મહેતાએ ટકોર કરી કહ્યું હશે, કે હરિનો જન મુક્તિ ન માગે. ઇશ્વરનો ભક્ત જન્મોજન્મ ભક્તિ માગે, કાંતો તે સૃષ્ટિને સમર્પિત થઈ નિષ્કામભાવે પોતાનું કર્મ બજાવે. જ્યારે દ્રશ્ય અને અદ્રશ્ય જગતનું પ્રાગટ્ય પણ થયુ ન હતુ ત્યારે જીવો અવ્યક્ત હતા, છતાં બ્રમ્હ તત્વ દ્વારા અવ્યક્ત જગતના જીવોનું જતન થઈ રહ્યું હતુ. ત્યારબાદ અનાહદ અર્થાત્ બ્રમ્હ નાદની ઉત્પત્તિ થઈ હતી. બ્રમ્હનાદ એટલે “ૐ” ઓમ – સોહમનો નાદ છે. તેમાંથી અસંખ્ય સૂર્ય ચંદ્ર અને તારાઓની ઉત્પત્તિ થઈ છે. સૂર્ય, ચંદ્ર અને તારાઓના લીધે દૃશ્ય અને અદૃશ્ય જગત બન્યા છે. આપણે એક રમકડું પણ ખરીદી લાવીએ છીએ, તો કેવા તેની દેખભાળ કરવા લાગીએ છીએ? તેની સંભાળ પણ રાખતા હોઈએ છીએ. દૃશ્ય કે અદૃશ્ય જગત પણ ઇશ્વરનું રમકડું જ છે. તેને સાંચવવા તે હંમેશા તત્પર રહે છે. જગત રૂપી રમકડાનો સાવ નાનકડો હિસ્સો ગણાતો માણસ કોઈપણ પદાર્થમાં આવેલા પરમાણુ જેટલુંય મુલ્ય ધરાવતો નથી. પરમાણુની સંખ્યાના આધારે પદાર્થ પોચો કે કઠ્ઠણ છે તેની ઘનતા મુજબ નક્કી થાય છે. તેમ દૃશ્ય જગતની સુંદરતા, તેમાં વસવાટ કરતા જીવોના ગુણધર્મો મુજબ નિશ્ચિત થાય છે. અનાહદ નાદમાંથી ઉદ્ભવેલું જગત પ્રકૃતિના ત્રણ ગુણો વડે ચાલે છે. આ ત્રણ ગુણોની ઉત્પત્તિ માયામાંથી થઈ છે. સત્વ,રજો અને તમો ગુણ માયામાંથી જ ઉદભવ્યા છે. તેમાંથી કોઈપણ મુક્ત થઈ શકતું નથી. માયા મોહ ઉત્પન્ન કરે છે. મોહથી લાલચ જાગે છે. લાલચ અને લોભના દોરડે બંધાયેલો માણસ જ્ઞાન,ભક્તિ કે કર્મના માર્ગે ડગ ભરી શકતો નથી. ત્યારે ઇશ્વરે મારા પર કૃપા કરી છે, પંદર માર્ચ બેહજાર વિસની સોનેરી સવારે, દિવ્ય દૃષ્ટિ આપી જન્મ દિવસની મુલ્યવાન ભેટ ધરી છે. આ માટે હું પરમ કૃપાળુ પરમાત્માનો અંતરથી આભાર માનુ છું.
રાત્રીના અંધકારની ચાદર સંકોરાય રહી હતી. હૃદયના ધબકાર કર્ણપટલ પર ટકોરા મારી કશુંક કહેવા આજ ઉતાવળા થયા હતા. એળે ગયેલા ત્રેપન વર્ષની એ યાદ આપતા હતા.
“કાશ ભલા થાકી વિરામ લેવો હોય, એમપણ બને. ના તેને ટકોર કરવી હોય એમપણ બને”
ભિતરમાં આહત નાદનું સંગીત ગુંજી રહ્યું હતુ. બીજી તરફ આસપાસમાં રહેતા વહેલા ઉઠી ગયેલા લોકોની દિનચર્યા માટે ચાલતી દોડધામનો ઘોંઘાટ આહત નાદની મધુરતાને બેસુરી બનાવતો હતો. બીજી તરફ અંતરના આંગણે શ્રદ્ધાની રંગોળી પુરવાનું કાર્ય ચાલતું હતું.
“પંદરમી માર્ચની ભલા તેં દિવ્ય દીધી સવાર,
અંતરના આંગણે મોટી જામી હતી ધમાલ,
આવી પહોંચી રીમજીમ કરતી વિચારના માર્ગે હેલી,
શબ્દની લઈ સોનેરી થેલી,
કાશ ‘ઝગમગ’ ખૂલ્યું હશે પ્રભાત,ને પ્રભુ વાત રહી હશે અધુરી”
લેખક:- લાભુભાઈ ટી. સોનાણી