કાળા માથાવાળા માનવની ધમાલ છે,પણ કુદરતની ખરી કમાલ છે અણુ એ અણુમાં જેનો વાસ છે એ કુદરતની કમાલ છે. તેનું શબ્દચિત્ર આલેખવું ઘણુ દુષ્કર છે. હજાર હાથવાળા ઈશ્વરની લીલા સમજવા જેવી છે. કુદરતની લીલા સમજવા થોડા ઉદહરણ સાથે કેટલીક વાતો મૂકવાનું મને મન થાય છે.લોકડાઉનનો પિરયડ ચાલે છે એટલે ભીતરની રખડપટ્ટી વધી ગઈ છે. આપણે ત્યાં કહેવાય છે “ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે” મારો કહેવાનો અર્થ તમે સમજ્યા નહિ. લોકડાઉન હોવાથી હું ભીતરમાં પડેલા વિચારો ખોળી, ઝડપથી તમારી સમક્ષ મૂકી શકું છું. કોઈ પ્રકૃતિના સ્થળે ફરવા જવાનો જેટલો આનંદ આવે છે, તેના કરતા અનેકગણો આનંદ ભીતરના અણદીઠા પ્રદેશમાં માણ્યો છે. ભીતરમાં લૂંટેલું સૌંદર્ય વહેંચવા મારું મન ઉતાવળુ બન્યું છે. ભીતરના માર્ગે દટાયેલા અમૂલક વિચારો જડ્યા છે. તેનો સંસર્ગ આંતરિક શક્તિઓને જગાડે તેવો છે. આ વાતો આપ સૌના અંતરપ્રદેશને નંદનવન બનાવી દેશે. બગીચામાં ઊગી નીકળેલા સુગંધી પુષ્પો વાતાવરણને મઘમઘતું બનાવી દે છે, તેમ મારા ભીતરમાં ખીલી ઊઠેલા વિચારરૂપી પુષ્પો તમારા જીવનને સુગંધી બનાવી દેશે. લંકાનો રાજા રાવણ શક્તિશાળી રાજા હતો. તેમણે મહાદેવની ભક્તિ કરી અનેક વરદાન પ્રાપ્ત કર્યા હતા. તે પૈકી ઉદાહરણ તરીકે કેટલાક મળેલા વરદાન વિશે વિગત આપી આપને એક પ્રેરક કથાવસ્તુ દ્વારા અવગત કરવા ઇચ્છુ છું. લંકાની સફાઈ ઓગણપચાસ વાયુ કરતા હતા. રાજભવનનું દરણુ વિધાતાને દળવું પડતું હતુ. દિક્પાલને રાજભવનની ચોકી કરવી પડતી હતી. ટૂંકમાં લંકાપતિ રાવણ ખરા સુખનો સમ્રાટ હતો. રાવણને તેનું અભિમાન પણ હતું, રાજા ઇન્દ્ર કરતા પણ તે વધુ સુખ સગવડ ભોગવતો હતો. મનુષ્યના જન્મ સમયે કર્મફળના આધારે, લેખાજોખા કરતા વિધાતાજી તેમની દાસી બની ફરજ અદા કરતા હોવાથી તે બહુ ફુલાતો હતો. થોડા દિવસો બાદ તેમની રાણીની કૂખે એક પુત્રીનો જન્મ થયો. તેના લેખાજોખા લખી પરત ફરતા વિધાતાને રાવણે અટકાવી પૂછ્યું : બોલ, પુત્રીનું ભાવી કેવું હશે? વિધાતાજી હસીને બોલ્યા, હું અવળુ ફરી દરેક વ્યક્તિનું ભાવિ લખી પરત ફરું છું. તેથી કોઈનું ભાવિ હું જોઈ શકતી નથી, તેમજ જાણતી નથી. તમારી પુત્રીનું ભાવિ જાણવું હોય તો હું જોઈ આપું છું. તમે તે જાણી દુ:ખી થશો. કારણ કે તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી.કર્મફળ મુજબ લખાયેલું નસીબ બદલાતું નથી. રાવણની જીદ પૂરી કરવા વિધાતા પુત્રીનું નસીબ વાંચી સંભળાવે છે: ‘તમારી પુત્રીનું લગ્ન આપના શુદ્ર સેવકના પુત્ર સાથે થશે! રાવણ ગુસ્સે થાય છે.તેણે કહ્યું: ‘હું તારા લેખમાં મેખ મારીશ. મારી પુત્રીનું લગ્ન કોઈ રાજવી સાથે ધામધુમથી કરીશ.’ રાવણ તેના શુદ્ર સેવકના ઘરે રાજના માણસો મોકલી થોડા સમય પહેલા જન્મેલા પુત્રને રાજ સભામાં લઈ આવવા હુકમ કરે છે. શુદ્ર પુત્રનું આગમન થતા રાવણ ગુસ્સે થઈ તેની ટચલી આંગળી કાપી નાખવા આદેશ કરે છે. રાવણ વધુ ગુસ્સો કરી તેને એક લાકડાની પેટીમાં બંધ કરી સમુદ્રમાં ફેંકી આવવા ફરમાવે છે. સેવકો રાજાના હુકમ મુજબ સોંપાયેલું કાર્ય પૂરું કરે છે. સમુદ્રની પેલે પાર ઘોઘાનો રાજા ફરતા–ફરતા સમુદ્રકિનારે આવી પહોંચે છે. તેને પાણીમાં તણાઈ આવેલી એક લાકડાની પેટી નજરે પડે છે. રાજા તે પેટી ખોલે છે. પેટીમાં ખિલખિલાટ કરતું બાળક જોઈ રાજાને ભારે અચરજ થાય છે. બાળકને રાણી ભવનમાં લઈ જઈ તેનો ઉછેર કરવા પોતાની રાણીને આજ્ઞા કરે છે. ઘોઘાનો રાજા પુત્ર વિહોણો હોવાથી રાજમાં ઉત્સવનો માહોલ મનાવા ઢંઢેરો પીટવામાં આવે છે. આજે રાજા–રાણીના દિલમાં આનંદ હિલોળા લઈ રહ્યો હતો. આખુ ઘોઘા શણગારવામાં આવે છે. સમય પાણીના પ્રવાહની જેમ વહી રહ્યો હતો. જોતજોતામાં પુત્ર યુવાન થઈ જાય છે. ઘોઘાના દૂરદર્શી રાજાની કીર્તિ સમુદ્રના સીમાડા ઓળંગી જાય છે. રાવણ પોતાની પુત્રીનો પીળો હાથ કરવા અનેક રજવાડામાં ભૂદેવો મોકલી તપાસ કરાવે છે. ઘોઘાનો પાટલીપુત્ર યોગ્ય જણાતા તેને શ્રીફળ સોંપવામાં આવે છે. ઘડિયા લગ્ન લેવાય છે. પ્રસંગ પૂરો થતા જ રાવણ વિધાતાને બોલાવી કહે છે: ‘તારા લેખમાં મેખ વાગી ચૂક્યો છે. રાવણ ધારે તે કરી શકે છે.’ વિધાતા : તે અશક્ય છે. દરેકને પોતાના કર્મફળ મુજબ જે મળવાનું હોય છે, તે મળીને જ રહે છે. તમે પૂરતી તપાસ કરશો,એટલે તમને તેનો ઉત્તર જરૂર મળી રહેશે.’ અચાનક રાવણને યાદ આવે છે. આપણે શુદ્ર પુત્રની ટચલી આંગળી કાપી નાખી હતી. જો ઘોઘાના રાજકુંવરની ટચલી આંગળી કપાયેલી હોય તો વિધાતાની વાત માની શકાય. તપાસ કરતા ઘોઘાના રાજ કુંવરની ટચલી આંગળી કપાયેલી હતી. મિત્રો રાજા રાવણ પણ વિધાતાના લેખમાં મેખ મારી શક્યો ન હતો. કાળા માથાવાળો માણસ ઈશ્વરની કૃપા વિના નાનકડી કાંકરી પણ હલાવી શકતો નથી. મનુષ્યને મળતા યશ–અપયશ, સફળતા કે નિષ્ફળતા મારા હરિની ઇચ્છા મુજબના હોય છે. તેથી સૃષ્ટિના સર્જન–વિસર્જન પાછળ કુદરતની કમાલ કારણભૂત હોય છે.વર્તમાન સમયમાં કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે, ત્યારે થોડું ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.
હવાનું પ્રદુષણ: હવાનું પ્રદુષણ અસંખ્ય જીવોને હાનિ પહોચાડી રહ્યું હતું. તેને રોકવા વિશ્વના અનેક સંગઠનો ઢોલ પીટતા હતા, છતાં સફળતા મળતી ન હતી. ઈશ્વરે તેના પર નિયંત્રણ લાવવા કોવિડ-૧૯ નોવેલ કોરોના વાઈરસને માણસની પરિક્ષા કરવા, પૃથ્વી પર મોકલી દીધો છે. પહેલાના સમયમાં દેવો, દાનવો કે માનવોનું અભિમાન ઉતારવા કોઈ પરાક્રમિ શક્તિનો ઉદય થતો હતો. કોઈ પણ વિસર્જન નવા સર્જન માટે થતું હોય છે. રામને વનવાસ રાવણના સંહાર માટે મળ્યો હતો, પણ મને અને તમને ગૃહવાસ લુપ્ત થતી માનવીની માનવતાના કારણો ખોળી કાઢવા મળ્યો છે.
ચિંતન: હજારો અકસ્માત અટકી ગયા છે. સેંકડો દીકરીઓ સાથે થતા બળાત્કાર એક ઝાટકે બંધ થયા છે. કોરોનાની બીમારી મોકલી ઈશ્વરે રસ્તો ભૂલેલા મનુષ્યની શાન ઠેકાણે લાવી દીધી છે. અબોલ પશુઓની કતલ બંધ કરાવી લાખો પશુઓની જીવાદોરી લંબાવી દીધી છે. કોરોનાનો વાઈરસ મોકલી હે ઇશ્વર વિશ્વની મહાસત્તા બની બેઠેલા, દેશોને તેં તો ધંધે લગાડી દીધા છે. માણસને ઘરમાં પૂરી પાંજરે પુરાયેલા પક્ષિઓને મુક્ત ઊડતા કરી દીધા છે. કાળા માથાવાળો માનવી ધારે તે કરી શકે, તેવા બોલ સાવ ખોટા પાડી દીધા છે. ગળે વળગી ભેટતા માણસોને પ્રભુ તેં અળગા કરી દીધા છે. બે નંબરી નાણાં ફેરવતા લોકોને, ઓનલાઈન લેવડ–દેવડ કરવા મજબૂર કરી દીધા છે.
“વાહ રે કુદરત, તેં તો રસ્તો ભૂલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા છે. નાનપણમાં ભુલાયેલી રમતો બધાને રમતા કરી દીધા છે.
ટાઈમ ન હતો જેને એક ફોન કરવાનો એમને વીડિયો કોલ કરતા કરી દીધા છે.
વાહ રે કુદરત તેં તો રસ્તો ભૂલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા છે.
પ્રાથે ‘ઝગમગ’ પ્રભુ પાય પડી,
ભલા તેં તો મંદિર–મસ્જિદ દ્વાર બંધ કરી,
સૌને અંતરના ખોળે રમતા કરી દીધા છે.”
અછાંદસ પંક્તિઓ મને અને તમને માનવતાના મુલકમાં દોરી જાય છે. જ્યારે લાગણીનો છોડ મુરઝાઈ જાય છે, ત્યારે માનવતાની મહેક સંસારરૂપી બાગમાંથી લુપ્ત થઈ જાય છે. સંબંધો યંત્રવત બની જાય છે, ત્યારે લાગણીના સેતુ વડે જોડાયેલો સબંધ ખપ લાગે છે. જેમ દીવો અંધકાર ઉલેચી ઉજાસ આપે છે, તેમ લાગણીના સંબંધો ચમત્કારી પરિણામો આપે છે. આવા સંબંધોમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી. લાગણીના સંબંધોમાં જ્યારે શંકાને પ્રવેશ મળે છે, ત્યારે આવા સબંધોનો અકાળે અંત આવે છે. પરિવાર અથવા સમાજને તેના દૂરગામિ પરિણામો સહન કરવા પડે છે.છેલ્લા ઘણા સમયથી શિક્ષણમાં ઓનલાઈન હાજરી, વિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન જેવી અનેક બાબતો દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની હાજરી પૂરવાનું કામ શિક્ષકનું છે. એરકંડિશન ઓફિસમાં બેઠેલા અધિકારીનું નહિ. જે શિક્ષકની નિયત પર સરકારી તંત્રને ભરોસો નથી, તે શિક્ષક સમાજનો ઘડવૈયો શી રીતે બની શકશે? શિક્ષક શાળામાં હાજર છે કે નહિ? તે જોવાનું કામ શાળાના મુખ્ય શિક્ષકનું છે. તેની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા અધિકારીએ કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે મુખ્ય શિક્ષકની નિમણુક શા માટે કરી છે? શાળાની દેખરેખ રાખવા, શાળાના શિક્ષકો પાસે આયોજનબદ્ધ કામ લેવા, શાળાની પ્રવૃત્તિઓને વેગ આપવા. જો ગાંધીનગરમાં બેઠેલો કોઈ એક અધિકારી, ઓનલાઈન આખા રાજ્યની શાળાઓ ચલાવી શકતો હોય તો રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક રોકવાની શી જરૂર છે? કોમ્પ્યૂટર કે મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો,દેશને નંદનવન બનાવી શકશે તેવો ભરોસો હોય તો શાળા, કોલેજ કે યુનિવર્સિટીની શી જરૂર છે? જ્યારે મૂળભૂત પાયાની બાબત સમજાતી નથી, ત્યારે માણસમાં વિકૃતિ પેદા થાય છે. પરંતુ પાયાના સિદ્ધાંતો અપનાવવા જે જાગૃત હોય છે, તેને પ્રકૃતિ સહાય કરે છે. ગુરુ–શિષ્યના સંબંધોને જે આદર આપે છે. તેવા રાષ્ટ્રોની પ્રગતિ થાય છે. જે શાળા–કોલેજ અભ્યાસક્રમના વિષયો ઉપરાંત વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી શકે છે, તે માનવ સંસ્કૃતિનું મંદિર ગણાય છે. જે દેશ આવા મંદિરોનું નિર્માણ કરી શકે છે, તે દેશની વિરાટ સંસ્કૃતિ કોઈપણ સમસ્યાનો ઉકેલ ચપટી વગાડતા શોધી કાઢે છે.આપણે થોડું ચિંતન કરી આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. ભૌતિક સંપત્તિ અર્જિત કરવાનું, મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય નથી. આધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ વધતા રહેવાનું છે. શિક્ષણ આપવાનું કામ શિક્ષકનું છે, છતાં સરકારી અધિકારીઓ કારણવગરની ચિંતાનો બોજ લઈ શા માટે ફરે છે? સરકારી તંત્રને શાળાના શિક્ષકો કે મુખ્ય શિક્ષક પર ભરોસો ન આવતો હોય તો દેશનું ભાવિ કોણ ઘડશે? આજનો અધિકારી એક સમયે તેના શિક્ષકનો વિદ્યાર્થી હતો. તે કોઈપણ અધિકારીએ યાદ રાખવું જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ સર્વેસર્વા બની કામ કરવા લાગે છે. ત્યારે માનવતાનો સૂર્ય અસ્ત પામે છે. અહંકારી મનુષ્ય,માનવજાત માટે પતનનું કારણ બને છે. દર અઠવાડીયે વિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરતો અધિકારી, વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા પણ યોજી શક્યો નથી. એટલું જ નહિ તેને ઉપરના ધોરણમાં ચડાવવા વિવશ થયો છે. શિક્ષકની હાજરી પર દેખરેખ રાખતો ઓફિસર આજે શિક્ષકને ઘરે બેઠા પગાર ચૂકવવા મજબૂર બન્યો છે. આ બધી કુદરતની કમાલ છે. કોરોનાનો વાઈરસ કોઈ સંદેશ લઈને આવ્યો છે. જ્યારે–જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે–ત્યારે ઈશ્વર અસત્યોને અટકાવા ધરતી પર સૃષ્ટિની સંભાળ લેવા આવી પહોંચે છે.
‘કમાલ છે કુદરતની…!’
લેખક:- લાભુભાઈ ટી. સોનાણી