લોકડાઉન ચારનું હાલ જયારે અંતિમ ચરણ ચાલી રહ્યું છે ત્યારે પાન પાર્લરો ખોલવાની તંત્રએ છૂટ આપી દીધી છે. જો કે મોટાભાગની પાનની દુકાનોમાં સોપારી, તંબાકુ, બીડી-સિગારેટ, ગુટખા, ચૂનો સહિતનો માલ ન હોવાથી નાના ધંધાર્થીઓ તેમજ ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈને આજે મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું. લોકડાઉન 4.0 જયારે હવે તેના અંતિમ ચરણમાં છે ત્યારે લોકોમાં એક દહેશત છે કે લોકડાઉન 5.0 લાગુ થશે ત્યારે ક્યા ક્યા પ્રકારના વેપારને છૂટ મળશે? ખાસ કરીને આવી આશંકા પાન-બીડીના હોલસેલ ધંધાર્થીઓમાં જોવા મળી રહી છે. આવી આશંકાને લઈને હોલસેલ પાન-માવાના ધંધાર્થીઓ તેઓની એજન્સીમાં માલનો સંગ્રહ કરી રહ્યા છે, જેથી સમય આવ્યે સોપારી, તમાકુ સહિતની ચીજ-વસ્તુઓના કાળાબજાર કરી શકાય. એજન્સીઓમાંથી છુટ્ટક પાનના ગલ્લાવાળાઓને જોઈતી સામગ્રી પુરી પાડવામાં આવી રહી નથી. આથી છુટ્ટક પાન-માવાના ધંધાર્થીઓ વેંચાણ કરી શકતા નથી. પાછલા 60 જેટલા દિવસોથી નાના ધંધાર્થીઓની રોજીરોટીનો એક માત્ર સ્ત્રોત છીનવાઈ ગયો છે ત્યારે નિકુંજભાઈ લિંગાળીયા સહીત પાન-માવાના ધંધાર્થીઓએ મામલતદાર સમક્ષ રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. વલ્લભીપુરની બજારોમાં થઈ રહેલા સંગ્રહખોરીના ગેરકાનૂની કૃત્યને અટકાવવા પગલાં ભરવાની માંગ કરી હતી. હવે જોવું રહ્યું કે તંત્ર તરફથી આ અંગે કેવા અને ક્યારે પગલાં ભરવામાં આવે છે.
રિપોર્ટર
ધર્મેન્દ્રસિંહ સોલંકી
વલ્લભીપુર