શહેરના ઘણા રસ્તા અને જિલ્લા તથા ધોરી માર્ગ ૬ માસ પહેલા બનાવ્યા છે તો તૂટી કેમ જાય ? તેવો પ્રશ્ન કરી ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)એ માગ કરી છે કે જો સત્તાધીશો રસ્તાઓના કામોના ભ્રષ્ટાચારમાં સામેલ ન હોય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે. તેમણે એવો પણ વેધક સવાલ પૂંછયો છે કે, ચૂંટાયેલા કોર્પોરેટર્સ, જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્યો ક્યાં સંતાઈ ગયા છે ? સી.પી.એમ.ના અગ્રણી અરૃણભાઈ મહેતા, જિલ્લા મંત્રી અશોકભાઈ સોમપુરા અને નલિનીબહેન જાડેજાએ અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાવનગર શહેર-જિલ્લા તથા અમદાવાદ-રાજકોટને જોડતા હાઈ-વે માટે સરકાર અને કોર્પોરેશનના રોડના કોન્ટ્રાક્ટરો સાથેની અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાંઠગાંઠ ન હોય તો ૧ વર્ષમાં થયેલ રસ્તાઓની દૂર્દશા માટે કોન્ટ્રાક્ટર સામે દાખલારૃપ કાર્યવાહી કરવાની માગણી કરેલ છે. આૃર્યજનક રીતે ચૂંટાયેલા કોર્પોરેટર્સ, જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્યો ક્યાં સંતાઈ ગયા છે ? દેખાતું ન હોય તેવા વ્યક્તિને પણ અહેસાસ થાય તેવા ખાડાઓના સામ્રાજ્ય શું આ નેતાઓને દેખાતા નથી ? નાગરિકો ઘરવેરો, આજીવન રોડ ટેક્ષ ભરે છે અને પ્રજાની તિજોરીના આ કરોડો રૃપિયા વેડફવાનો નેતાઓને કોઈ જ અધિકાર નથી. આ વેડફાતા પ્રજાના પૈસા માટે નેતાઓ સૌથી વિશેષ જવાબદાર છે તે નેતાઓએ ભૂલવું ન જોઈએ.
નેતા, અધિકારીઓને તો ઘી-કેળા જ છે. હવે પાછા નવા ટેન્ડર નિકળશે. એક જ વર્ષમાં બીજી-ત્રીજી વાર કામ કરાશે. હકીકતે કોન્ટ્રાક્ટર્સ પાસે પૈસા વસુલ કરવા જોઈએ, બ્લેક લીસ્ટ કરવા જોઈએ.
ભાવનગર શહેરમાં ક્રેસન્ટ, શિશુવિહાર, કાળાનાળા, તળાવ, ભીલવાડા, કુંભારવાડા, તળાજા રોડ, ભરતનગર, ખેડૂતવાસ, બોરડીગેટ સહિતના વિસ્તારોમાં તો છેલ્લા એક વર્ષમાં બનેલ રોડનો નાશ થયો છે. જ્યારે ભાવનગર-અમદાવાદ રોડ, ભાવનગર-રાજકોટ રોડ અને ભાવનગર-તળાજા-મહુવા રોડ પર વાહન ચલાવવા શક્ય જ નથી. તપાસનું નાટક બંધ કરો અને કડક પગલા ભરો, યુદ્ધના ધોરણે ગેરન્ટીવાળા રોડ બનાવો, ખરાબ કામ કરનાર કોન્ટ્રાક્ટર્સના નામો જાહેર કરો અને નવા બનનારા રોડ પર કોન્ટ્રાક્ટરના નામનું પાટિયું મૂકો તેવી માગણી કરાઈ છે. જો કોઈ પગલા ન ભરાય તો આંદોલન કરવાની અને ગ્રાહક સુરક્ષા ધારા તળે નુકસાની વળતરની માગણી કરતી નોટીસ આપી કેસો કરવાની ચીમકી અપાઈ છે અને આગામી ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની જનતાને સી.પી.એમ. દ્વારા અપીલ કરાઈ છે.