શહેરનાં સહકારી હાટથી ડાયમંડ ચોક સુધીની રેલ્વેની પડતર જમીન ઉપર મહાપાલીકા દ્વારા રૂા.૨.૩૦ કરોડનાં ખર્ચે જોગર્સ પાર્ક બનાવવામાં આવનાર છે. આ જગ્યા ઉપર સતત બીજા દિવસે પણ ગેરકાયદે દબાણો આજે પોલીસ પ્રોટેકશન સાથે દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નેરોગેજ રેલ્વે લાઈન બંધ થયા બાદ રેલ્વેની જમીન ઉપર વ્યાપક દબાણો થવા પામ્યા છે જે પૈકી સહકારી હાટથી લઈને ડાયમંડ ચોક સુધીની રેલ્વે પટ્ટાની જગ્યા ઉપર ૧૮૦૦ મીટરની જગ્યા ઉપર બગીચો તથા જોગર્સ પાર્ક બનાવવાની મંજુરી અપાતા મહાપાલીકા દ્વારા આ જગ્યા ઉપર રૂા.૨.૩૦ કરોડનાં ખર્ચે ત્રણ તબક્કામાં જોગર્સ પાર્ક બનાવી લોકોની સુવિધામાં તેમજ શહેરની શોભામાં વધારો કરનાર છે અને તે માટેની ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવેલ ત્યારે આજે મહાપાલીકા, મામલતદાર કચેરી તથા પોલીસ કાફલા સાથે અધિકારીઓ પહોચ્યા હતા અને ઝુપડપટ્ટી સહિતનાં દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.