ભાવનગર રેલવે ડિવિઝન તળેના બોટાદ-અમદાવાદ વચ્ચે મીટરગેજ લાઇનમાંથી બ્રોડગેજ લાઇનનું રૂપાંતરણ માર્ચ ૨૦૦૦માં પૂર્ણ થવાનું હતુ, તે સરકારમાંથી છેલ્લા દોઢ વર્ષથી યોગ્ય ફંડની ફાળવણીમાં વિલંબ, અમદાવાદ નજીક ક્રોસિંગ, અંડરબ્રિજ અંગેના લોકોના વિરોધને કારણે પ્રોજેક્ટ નિર્ધારીત સમયસીમાથી ધીમો ચાલી રહ્યો છે, અને હજુ ક્યારે સંપૂર્ણપણે પૂર્ણ થશે તેના અંગે કોઇ ગળું ખોંખારીને બોલી શકે તેમ નથી.ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સંસદમાં હોવા છતા ભાવનગરને અસરકર્તા મહત્વપૂર્ણ ગેજ કન્વર્જનનો પ્રોજેક્ટ લંગડાઇ રહ્યો છે. બોટાદ-અમદાવાદ વચ્ચે ગેજ કન્વર્ઝનનું કામ રેલ વિકાસ નિગમ લિમિટેડને સોંપવામાં આવ્યુ હતુ. સમગ્ર પ્રોજેક્ટનું કામ સીવિલ, ઇલેકટ્રિક અને ઓપરેશન એમ ત્રણ તબક્કામાં વહેંચાયેલું છે.
સોમવારે પ્રસિધ્ધ થયેલા બજેટમાં બોટાદ-અમદાવાદ રેલ લાઇન કન્વર્ઝનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. રેલ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં અનેક વિઘ્નો આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને સમયસર નાણાની ચુકવણી પણ થતી નહીં હોવાથી પ્રોજેક્ટનું કાર્ય અનુમાનિત ગતિ મુજબ ચાલી રહ્યું નથી. કેન્દ્ર સરકારમાંથી છેલ્લા દોઢ વર્ષથી પર્યાપ્ત માત્રમાં ફંડ આવી રહ્યું નથી, જેની સીધી અસર આ પ્રોજેક્ટ પર પડી રહી છે.
અત્રે ઉલ્લેનિય છે કે ભાવનગર રેલવે ડિવીઝન હેઠળના બોટાદથી અમદાવાદ સુધીના મીટરગેજને બ્રોડગેજમાં ફેરવવાના આ પ્રોજેક્ટ વખતોવખત ઠપ થઈ જતો હોય તેમ આગળ વધી રહ્યો નથી. આથી ભાવનગરથી અમદાવાદ સુધી ઓછા સમયમાં રેલમાર્ગે પહોંચવાનું સ્વપ્ન લાંબા સમયથી અધુરૂ રહ્યું છે.